આ કંપનીઓ બોગસ હોવાની શંકા, જેનો ઉપયોગ કાળાં નાણાં માટે થાય છે: BSEએ આવી કંપનીઓની યાદી જાહેર કરી
ડીમૉનેટાઇઝેશન સમયે સરકારને ઘણી બોગસ કંપનીઓ જોવા મળી હતી. આવકવેરા વિભાગે પણ એની સર્ચ દરમ્યાન કેટલીયે કાગળ પરની કંપનીઓની નોંધ લીધી હતી. મિનિસ્ટ્રી ઑફ કંપની અફેર્સ દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશમાં ઝડપાયેલી આવી શેલ (કાગળ પરની અથવા નામ પૂરતી કહી શકાય એવી) કંપનીઓ સામે સેબી ઍક્શન લેવા મક્કમ બન્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સેબીએ આવી શંકાસ્પદ ૩૩૧ કંપનીઓ સામે ઍક્શન લેવા એક્સચેન્જોને આદેશ આપ્યો છે.
આવી કંપનીઓનો ઉપયોગ કાળાં નાણાંની હેરફેર માટે કરવામાં આવતો હોવાની શંકા છે, જેથી આ કંપનીઓના શૅરોમાં ટ્રેડિંગ આ મહિનામાં અટકાવી દેવાની સૂચના સેબીએ એક્સચેન્જોને આપી છે. આ લિસ્ટેડ કંપનીઓ છે એથી એના શૅરધારકો માટે આ વિષય ચિંતાનો બન્યો હોવાનું જાણવા મળે છે. આવી શેલ કંપનીઓની વ્યાખ્યા કંપનીઝ ઍક્ટમાં કરવામાં નથી આવી. જોકે BSEએ તાત્કાલિક અસરથી આ કંપનીઓને ગ્રેડેડ સર્વેલન્સ મેજર હેઠળ મૂકી છે.
નવાઈની વાત એ છે કે આમાંની કેટલીક કંપનીઓમાં જાણીતા ટોચના ઇન્વેસ્ટરો પણ હિસ્સો ધરાવે છે. આ કંપનીઓની યાદી BSEએ જાહેર કરી છે.
મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને ફૉરેન ઇન્વેસ્ટરોનું પણ રોકાણ
આ ૩૩૧ કંપનીઓમાંથી અમુક કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ તેમ જ ફૉરેન ઇન્વેસ્ટરોનું પણ રોકાણ હોવાનું જાણવા મળે છે. આવી કંપનીઓનો ઉપયોગ ક્યાંક મની-લૉન્ડરિંગ માટે થયો હોવાની પણ શંકા છે. જોકે આમાંની કેટલીક કંપનીઓએ પોતે શેલ કંપની નહીં હોવાનો દાવો પણ કર્યો છે અને પોતાનો ટ્રૅક-રેકૉર્ડ ક્લીન હોવાનું જણાવ્યું છે.