હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં ખાસ કરવામાં આવે છે. આ વ્રતની કથા પ્રમાણે દેવી પાર્વતીએ ભગવાન શિવજીને મેળવવા માટે પોતાની સખીઓ સાથે આ વ્રત કર્યું હતું. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે. સાથે જ, કુંવારી કન્યાઓ પણ સારો પતિ મેળવવા માટે આ વ્રત કરે છે. આ વ્રતમાં આખો દિવસ પાણી પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે અને સાંજે કાળી માટીથી શ્રીગણેશ અને ભગવાન શિવ-પાર્વતીની મૂર્તિઓ બનાવીને પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ આખી રાત જાગરણ કરીને ચારેય પ્રહરની પૂજા કરવામાં આવે છે. એટલે દર 3 કલાકે પૂજા થાય છે.
1. કેવડા ત્રીજમાં પાણી પીવાનું હોતું નથી. વ્રત પછી બીજા દિવસે જળ ગ્રહણ કરવાનું વિધાન છે.
2. કેવડા ત્રીજ વ્રત શરૂ કર્યા પછી તેને છોડવામાં આવતું નથી. દરેક વર્ષ વિધિ-વિધાનથી આ વ્રત કરવું જોઇએ.
કેવડા ત્રીજમાં દેવી પાર્વતીની પૂજામાં સુહાગની સામગ્રી ચઢાવવામાં આવે છે. જેમાં મહેંદી, બંગડી, કાજળ, ચાંદલા, કંકુ, સિંદૂર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય શ્રીફળ, કળશ, અબીર, ચંદન, ઘી-તેલ, કપૂર, કંકુ અને દીવો હોય છે.