રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં ઉતાવળી નદીના કિનારે એક પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરની કોતરણી તેનું બાંધકામ તેમજ તેના મંડપ જોઈને જૂના સ્મારકો યાદ આવી જાય. આવા મંદિરો જોવા માટે લોકો દૂર દૂર જાય છે પણ સુપેડીની આ ઐતિહાસિક ધરોહર સમા મુરલી મનોહર મંદિરથી સૌરાષ્ટ્રના લોકો જ અજાણ છે. મુરલી મનોહર મંદિરમાં જેની પાંચમી પેઢી સેવા કરી રહી છે તે પરિવારમાંથી આવતા રવિદાસ બાપુએ પણ પિતા બાદ મહંત તરીકે મંદિરની સેવા કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, માણાવદરના ગામ પાસે એક સંતની આરાધનાથી લક્ષ્મીજી કૂવામાંથી પ્રગટ થયા, આ અખૂટ ધનનો ભંડાર સંતે બે ભાઈઓને આપી મંદિર બનાવવા કહ્યું અને આ પૌરાણિક મંદિરની રચના કરાયાની લોકવાયકા છે. મંદિર હજારો વર્ષ જૂનું છે પણ પુરાતત્ત્વ ખાતું પથ્થરો જોઈને 700 વર્ષનો અંદાજ લગાવી રહ્યા છે અને નાગર શૈલીનું બાંધકામ કહે છે. રાજકોટમાં જ આવું ઐતિહાસિક સ્થળ છે જેનો ઈતિહાસ પણ અજાણ્યો છે તેવી જ રીતે લોકો પણ અજાણ છે. આ મંદિર સૈકાઓથી આ જ સ્થિતિમાં છે. છેલ્લા 3 વર્ષથી મંદિર માટે પ્રયત્નશીલ થતા પુરાતત્ત્વ વિભાગની હસ્તક આવ્યું છે અને પુરાતત્ત્વ વિભાગે કલેક્ટરને સોંપ્યું તેમણે મામલતદાર કચેરી અને મામલતદારે ગ્રામપંચાયત કચેરીને વહીવટ સોંપ્યો હતો.