શ્રાવણ માસની પૂનમ ભાઈ બહેનના પ્રેમનો પર્વ હોય છે. આ વર્ષે રક્ષાબંધન 03 ઓગસ્ટના દિવસે ઉજવાશે. રક્ષાબંધનનો તહેવાર સોમવારે હોવાથી તેનું મહત્વ વધી જાય છે. આ દિવસે કોઈ ગ્રહણ પણ નથી કે નથી ભદ્રા તેથી આ દિવસ રક્ષાબંધન માટે વિશેષ યોગ લઈને આવ્યો છે. રક્ષાબંધન એક એવો તહેવાર છે જે પ્રેમ, ત્યાગ અને વિશ્વાસને દર્શાવે છે. આ બંધન શિખવાડે છે કે કોઈપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો છે. સામાન્ય રીતે બહેન પોતાના ભાઈ પર રાખડી બાંધે છે. પરંતુ તેની સાથે પોતાની ભાભીને પણ રાખડી બાંધે છે.
ભાભીની રાખડી શા માટે હોય છે ખાસ ?
રક્ષાબંધનની ઉજવણી ભારતભરમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. રાજસ્થાનમાં રાખડી માત્ર ભાઈઓને નહીં ભાભીને પણ બાંધવામાં આવે છે. આ રાખડીને ચૂડા રાખડી કે લૂંબા રાખડી કહેવાય છે. લગ્ન બાદ ભાઈના સુખ તેમજ દુ:ખની સાથી તેની પત્ની હોય છે તેથી ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસને નાળિયેર પૂનમ તરીકે ઉજવાય છે. આ દિવસે મરાઠી લોકો નદી કે સમુદ્રના કિનારે જઈ જનોઈ બદલે છે અને સમુદ્રની પૂજા કરે છે. આ દિવસે કેટલાક આદિવાસી ઝાડની પણ પૂજા કરે છે અને તેને રાખડી બાંધી અને તે લીલાછમ રહે તેવી પ્રાર્થના કરે છે.