આખાં વર્ષ માં આવનારી કુલ 12 પૂનમમાં કાર્તિક પૂનમ પછી શ્રાવણ ની પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે આવનારી પૂનમનું હિન્દુ ધર્મમાં સૌથી વધારે મહત્વ હોય છે. અમાસ અને પૂનમની તિથિનું હિંદૂ પરંપરામાં મહત્વ ઘણું છે. પૂનમનો સીધો સંબંધ દેવી લક્ષ્મીજી સાથે છે. આ વર્ષે શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધન સોમવારના દિવસે આવે છે. એવામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ શિવજી નું પૂજન કરી શિવ સમીપે કરવાથી જીવનમાં ચાલી રહેલા મુશ્કેલીઓમાં રાહત મળે છે. આ ઉપાય પિતૃ દોષો અને ગ્રહોના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે કારગર માનવામાં આવ્યો છે. ચણાની દાળ, પીળું ચંદન, પીળા વસ્ત્ર દાન કરવાનું શુભ માનવામાં આવે છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે શ્રાવણી પૂનમના આ પવિત્ર દિવસે પીપળાના ઝાડને પાણી ચઢાવો અને માતા લક્ષ્મીજીની પૂજા કરો અન નૈવેદ્ય ધરાવો.
આ સાથે જ માતા લક્ષ્મીજીને ઘરે આવવા માટે નિમંત્રણ આપો. આમ કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને સૌભાગ્યની વૃધ્ધિ થાય છે. રક્ષાબંધન એટલે કે શ્રાવણ ની પૂનમના દિવસે 11 કોડીઓને હળદળનો લેપ લગાવીને લક્ષ્મીજીની સામે રાખીને તેની પૂજા કરો. પૂજા પછી આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં અથવા તો કબાટમાં રાખો. આ ઉપાયથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કોડીઓને દેવી લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, કોડીઓ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ધનની વૃદ્ઘિમાં મદદરૂપ થાય છે. જો ઘરમાં કોઇ માનસિક તણાવ અથવા તો માનસિક મુશ્કેલીઓથી પરેશાન છો તો શ્રાવણની પૂનમના દિવસે ખીર બનાવીને લક્ષ્મીજીને ભોગ ધરાવો. ગરીબ તથા જરૂરિયાત ધરાવતા લોકોને ખીરનો પ્રસાદ આપો. આમ કરવાથી કષ્ટો દૂર થાય છે અને આ ઉપાયને સિદ્ઘિકારક માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી તથા સાથિયો બનાવો, જેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે. આ સાથે દક્ષિણાવર્તી શંખ પર લક્ષ્મી મંત્ર લખો અને જપ કરવાથી ધન પ્રાપ્તિનો યોગ બને છે. આ શુભ યોગમાં ઘરમાં દક્ષિણવર્તી શંખની સ્થાપના કરવાથી ધન વૃદ્ઘિ થાય છે.