અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ શ્રીરામ મંદિરનો શિલાન્યાસ કરાશે. સરયુ નદીમાં પાણી તેજ પ્રવાહમાં વહી રહ્યું છે. કહેવાય છે કે અયોધ્યામાં સરયુ સિવાય ભગવાન રામની કોઈ નિશાની નથી. હવે ટૂંક સમયમાં જ શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય વિશાળ મંદિર આકાર લેશે. સરયુના કિનારે આવેલા નાગેશ્વરનાથ મંદિરમાં શ્રદ્ધાળુ ભગવાન ભોલેનાથને શ્રાવણનો જળાભિષેક કરી રહ્યા છે. રામ કી પૌડીની આસપાસ ગામડાંના લોકોની ચહલ-પહલ છે. અયોધ્યામાં ઠેર-ઠેર દીવાલો પર ભગવાન રામ અને સીતાજીનાં ચિત્ર બનાવાઈ રહ્યા છે. દુકાનો પણ પહેલાથી વધુ સજી ગઈ છે. જોકે, માર્ગો પર સફાઈનું ઘણું કામ બાકી છે. કેટલીક જગ્યાએ ઉતાવળમાં બાંધકામ અને રિપેરીંગ ચાલી રહ્યું છે. અયોધ્યામાં વિવિધ તીર્થસ્થળો પર શિલાલેખ છે. અંગ્રેજ જજ એડવર્ડના આદેશ પર 1902માં તેમને વિવેચની ભાષામાં લગાવાયા હતા. જજ એડવર્ડે આ શિલાલેખને ઉખાડનાર પર 3 હજારનો દંડ અને ત્રણ વર્ષની સજાનો આદેશ આપ્યો હતો. આ શિલાલેખની માહિતી અયોધ્યા શોધ સંસ્થાને ભેગી કરી છે. સંસ્થાના ડિરેક્ટર વાય. પી. સિંહે કહ્યું કે, 1898માં અયોધ્યાની મોટી છાવણીના મહંત રામ મનોહર પ્રસાદે તીર્થ યાત્રિઓની સુવિધા માટે મુખ્ય તીર્થસ્થળો પર શિલાલેખ લગાવાનું શરૂ કર્યું હતું. તેની સામે એક વર્ગે વાંધો ઉઠાવ્યો હતો. ત્રણ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો. જજ એડવર્ડે મહંતની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. એ સમયે 148 શિલાલેખ લગાવાયા હતા, જે આજે પણ છે. શ્રીરામ જન્મભૂમિ કેસમાં આ શિલાલેખોને પણ એક પુરાવા તરીકે રજૂ કરાયા હતા.