ગુજરાતના ભાવનગરમાં કોળિયાક દરિયાના કિનારાથી ત્રણ કિલોમીટર અંદર અરબ સાગરમાં નિષ્કલંક મહાદેવ મંદિર છે. અહીં દરિયાના મોજા રોજ શિવલિંગનો જળાભિષેક કરે છે. લોકો પાણીમાં પગપાળા ચાલીને જ દર્શન કરવા જાય છે. જેના માટે તેમણે ઓટની રાહ જોવી પડે છે. ભરતી સમયે માત્ર મંદિરની ધ્વજા અને સ્તંભ જ જોવા મળે છે. જેને જોઇને કોઇ વ્યક્તિ દરિયાની અંદર મહાદેવનું પ્રાચીન મંદિર છે તેવો અંદાજો લગાવી શકે નહીં. આ મંદિરમાં શિવજીના પાંચ સ્વયંભૂ શિવલિંગ છે. પાંચેય શિવલિંગ સામે નંદીની પ્રતિમા પણ છે. પાંચેય શિવલિંગ એક વર્ગાકાર ચબૂતરા ઉપર બનેલાં છે. આ ચબૂતરા ઉપર એક નાનું પાણીનું તળાવ છે. જેને પાંડવ તળાવ કહેવામાં આવે છે. અહીં આવીને પાંડવોને પોતાના ભાઇઓના કલંકથી મુક્તિ મળી હતી, જેથી આ સ્થાનને નિષ્કલંક મહાદેવ કહેવામાં આવે છે. ભાદરવા મહિનાની અમાસના રોજ અહીં મેળો યોજાય છે જેને ભાદ્રવી કહેવામાં આવે છે. માન્યતા છે કે, આ મંદિરમાં આવીને ભક્તો અને શ્રદ્ધાળુઓના બધા જ પાપ નષ્ટ થઇ જાય છે.