શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે તો વળી આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ એક પછી એક તહેવારોની વણઝાર પણ શરૂ થઈ જાય છે. ત્યારે જાણી લો શ્રાવણ માસનો શું છે મહિમા અને શા માટે આ માસમાં શિવજીનો કરવામાં આવે છે જળાભિષેક. શ્રાવણ માસના મહત્વની વાત કરવામાં આવે તો આ માસમાં શિવપુરાણ તેમજ દેવી ભાગવતનું વાંચન અથવા શ્રવણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવામાં આવ્યું છે. શ્રાવણ માસના દરેક દિવસ ખાસ હોય છે પરંતુ શ્રાવણીયા સોમવારનો મહિમા અનેરો હોય છે. જે ભક્તો આખા મહિનાના વ્રત ન કરી શકતાં હોય તેઓ પણ સોમવારનું વ્રત કરતાં હોય છે. સંપૂર્ણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા-અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શ્રાવણ માસના સોમવારની વાત કરવામાં આવે તો આ વાર શિવજીનો પ્રિય હોવાથી ખાસ ગણાય છે. તેથી જ તો સોમવારનું વ્રત દરેક શિવભક્ત કરતાં હોય છે. શ્રાવણના સોમવારનું વ્રત જે ભક્ત સાચી શ્રદ્ધાથી કરે છે તેને વર્ષભરની પૂજાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.
દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથન પણ આજ માસમાં થયું હતું અને તે સમુદ્રમંથન માંથી 14 રત્નો નીકળ્યાં, તેમાંથી એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યુ. આ સત્કાર્યથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા ત્યારપછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો, ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે ભગવાન પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં વિષનાં આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શિવ પુરાણ અનુસાર જળ સમસ્ત સંસારનાં પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે આ જળ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે.