20 જુલાઈએ અષાઢ મહિનાની અમાસ છે. જેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. સોમવાર હોવાથી તેને સોમવતી અમાસ પણ કહેવામાં આવે છે. પંચાંગમાં એક મહિનાને 15-15 દિવસના બે ભાગમાં કે પક્ષમાં વહેંચવામાં આવ્યાં છે. એક સુદ પક્ષ અને બીજો વદ પક્ષ. સુદ પક્ષમાં ચંદ્રની કળા વધે છે અને પૂર્ણિમાએ ચંદ્ર આખો જોવા મળે છે. જ્યારે વદ પક્ષમાં ચંદ્રની કળાનો ક્ષય થાય છે એટલે કે, ચંદ્રની કળા ઘટે છે અને અમાસના દિવસે ચંદ્ર અદૃશ્ય થઇ જાય છે. પંચાંગને લઇને પણ મતભેદ છે. થોડાં પંચાંગમાં સુદ પક્ષના પહેલાં દિવસે એટલે એકમ તિથિથી મહિનાની શરૂઆત માનવામાં આવે છે. જ્યારે થોડાં પંચાંગ પ્રમાણે વદ પક્ષના પહેલા દિવસથી મહિનો શરૂ થાય છે. વદ પક્ષની પંદરમી એટલે છેલ્લી તિથિ અમાસ કહેવાય છે. સ્કંદ પુરાણ પ્રમાણે ચંદ્રની સોળમી કળાને અમાસ કહેવામાં આવે છે.