20 જુલાઈએ હરિયાળી અમાસ ઉજવવામાં આવશે. આ વર્ષે પર્વ પર હર્ષણ યોગ, પુનર્વસુ નક્ષત્ર, સોમવાર અને અમાસનો વિશેષ સંયોગ બની રહ્યો છે. આ દિવસે હરિયાળી અને સોમવતી અમાસ પર્વ એકસાથે ઉજવાશે. એટલે આ પર્વ વધારે ખાસ થઇ ગયો છે. હરિયાળી અમાસે 5 ગ્રહ પોત-પોતાની રાશિઓમાં રહેશે. 5 ગ્રહના સ્વગૃહી હોવાથી આ દિવસે કરવામાં આવેલ સ્નાન અને દાન વધારે પુણ્ય ફળદાયી રહેશે. આ પર્વમાં કરેલાં શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે. ભગવાન શિવ-પાર્વતીની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે. હરિયાળી અમાસે ખેતરમાં કામ આવતાં હથિયારોની પૂજા કરવાની પરંપરા છે.
ખેતરમાં પાક સારો રહે તે કામના સાથે ખેડુત આ પર્વ ઉજવે છે. આ પર્વ ખેડુતોની સમૃદ્ધિ અને પર્યાવરણની સુરક્ષાનો સંદેશ આપવા માટે ઉજવવામાં આવે છે. નારદ પુરાણ પ્રમાણે અષાઢ મહિનાની અમાસે પિતૃ શ્રાદ્ધ, દાન, દેવ પૂજા તથા વૃક્ષ વાવવા જેવા શુભ કામ કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. જેમની કુંડળીમાં કાલસર્પ દોષ, શનિની દશા અને પિતૃ દોષ છે. તેમણે શિવલિંગ ઉપર પંચામૃત ચઢાવવું જોઇએ. 20 વર્ષ બાદ સોમવાર અને હરિયાળી અમાસનો સંયોગ બની રહ્યો છે. આ પહેલાં 31 જુલાઈ 2000માં સોમવતી અને હરિયાળી અમાસ એક સાથે હતી. ત્યાર બાદ 2004માં અષાઢ મહિનામાં અધિક માસ દરમિયાન સોમવારે અમાસનો પર્વ ઉજવવામાં આવ્યો હતો.