ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક જગ્ગી વાસુદેવની એક અન્ય પેઇન્ટિંગ ‘ભૈરવ’ 5.1 કરોડ રૂપિયામાં નીલામ થઇ છે. થોડાં દિવસો પહેલાં તેમની એક પેઇન્ટિંગ 4.1 કરોડ રૂપિયામાં નીલામ થઇ હતી. આ બધી જ રકમ તેમણે ‘બીટ ધ વાઇરસ’ નામના ફાઉન્ડેશનને દાન કરી છે, જે કોરોનાવાઇરસ સામે લડતા લોકોનું અને ખાસ કરીને ગ્રામીણ લોકોની મદદ કરી રહ્યું છે. આ પેઇન્ટિંગ ઈશા ફાઉન્ડેશનના પ્રસિદ્ધ બળદને શ્રદ્ધાજંલી આપવા માટે બનાવવામાં આવી હતી. સોમવારે ઓનલાઇન નીલામી પૂર્ણ થઇ, જેમાં છેલ્લે 5.1 કરોડ રૂપિયાની રકમની બોલી લાગી હતી. એક મહિના પહેલાં ‘ભૈરવ’ પેઇન્ટિંગને ઓનલાઇન નીલામી માટે રાખવામાં આવી હતી. આ તસવીર સંપૂર્ણ રીતે જૈવિક પદાર્થો દ્વારા બનાવવામાં આવી છે. આ બીજી કલાકૃતિ છે જે સદગુરુએ ઈશા આઉટરીચના પ્રયાસો માટે પ્રદાન કરી છે, જેમાં ગ્રામીણ તમિલનાડુમાં હજારો લોકોને રોજ ભોજન અને પ્રતિરોધ ક્ષમતા વધાતાં પીણા આપવામાં આવે છે અને સ્વાસ્થ્યકર્મીઓને પીપીઈ કિટ્સ આપવામાં આવ્યાં છે. આ સિવાય પૂર્વ તૈયારી સ્વરૂપમાં બનાવવામાં આવેલાં આઇસોલેશન વોર્ડ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદ લેવામાં આવી છે.