કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા તમામ ધાર્મિક તહેવારો પર રોક પણ લગાવવામાં આવી હતી. ત્યારે કોરોના વાયરસના ભયને કારણે રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે ઉજવાતો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં યોજવામાં આવતો સૌથી મોટો લોકમેળો આ વખતે કોરોના વાયરસના કારણે રદ્દ કરવામાં આવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જન્માષ્ટમીનો પર્વ આવતાં જ સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકમેળાની બોલબોલા હોય છે. એકલાં રાજકોટમાં જ 100થી વધારે ખાનગી મેળા યોજાતાં હોય છે. પણ કોરોના મહામારીને કારણે સંક્રમણ વધારે ન ફેલાઈ તે માટે આ વખતે મેળો નહીં યોજાય તેવું સુત્રો જણાવી રહ્યા છે. જો કે હજુ સુધી આ અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર 50 વર્ષ બાદ લોકમેળો રદ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે રેસકોર્સ મેદાનમાં યોજાતો લોકમેળામાં અંદાજે 10 લાખ લોકો મેળાનો આનંદ લે છે.