ગાંધીનગર — કોરોનાની રસી અને દવા બની નથી ત્યારે કોરોનામાં અસરકારક સાબિત થઇ રહી છે એક એવી દવા જે ગુજરાત સરકાર દર્દીઓ અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને મફતમાં આપે છે. હોમિયોપથીમાં બનાવેલી ગ્લોબ્યુલ્સ ગોળીઓ શરીરની આંતરિક શક્તિમાં વધારો કરે છે. આ ગોળીના સેવન પછી માનસિક તનાવ અને શારીરિક થાકમાં રાહત મળે છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓને એલોપેથી સારવારની સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર પણ ફાયદાકારક નિવડે તે માટે સરકાર દ્વારા તમામ પ્રય્તનો કરવામાં આવ્યા છે. આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે હોસ્પિટલમાં હોમિયોપેથી સારવાર આપવામાં આવી રહી છે. કોરોના મહામારીના કારણે ઘણા લોકોમાં ભય, ચિંતા,હતાશા,ગભરાટ, માનસિક તણાવ, મૃત્યુનો ભય, એકલવાયાપણું, શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ, ઉધરસ, શરદી,ગળામાં દુખાવો, તાવ, ઝાડા-ઉલટી, અશક્તિ વગેરે જેવા લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.
આ પ્રકારનાં લક્ષણોમાં આર્સેનિક આલ્બમ નામની હોમિયોપેથીક દવા ખુબજ ઉત્તમ પરિણામો આપી રહી છે. અમદાવાદ સિવિલની ડેડીકેટેડ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં માઇલ્ડ લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગ્લોબ્યુલસ ગોળીઓ આપવામાં આવી રહી છે. આર્સેનિક આલ્બમ-30ના પ્રવાહી દ્વાવણમાં આ ગોળીઓને મિશ્ર કરીને દર્દીઓની તકલીફની તીવ્રતા પ્રમાણે આપવામાં આવે છે.
પ્રથમ તબક્કે આર્સેનિક આલ્બમ 30 નામની દવા ચાર દિવસ માટે ચાર ગોળી સવારે અને ચાર ગોળી સાંજે આપવામાં આવે છે. દર્દી સાજા થઇને ઘરે જાય ત્યારે 15 દિવસ સુધી ગ્લોબ્યુલ્સ ગોળીઓ લેવાનું કહેવામાં આવે છે. આ ગોળી મનોસ્થિતિ , શારિરીક સ્થિતિ મજબૂત કરવાની સાથે દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તંદુરસ્તી પ્રદાન કરે છે.
અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલા શિવાની ત્રિપાઠી કહે છે કે છેલ્લા ત્રણ દિવસથી હું શરીરમાં દુખાવો, માનસિક થાક અનુભવી રહી હતી. મને ઉધરસ તેમજ શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી રહી હતી અહીંના તબીબોએ એલોપેથીની સાથે સાથે આ સફેદ હોમિયોપેથીક દવા આપવાની શરૂ કરી જેથી હાલ હું સ્વસ્થ અનુભવી રહી છું.
હોમીયોપેથી ઉપચાર પધ્ધતિ “like cures like” જેવા સમાનતાના સિદ્ધાંત ઉપર કામ કરે છે.આ દવાઓ,મૂળભૂત ઔષધ તત્વોને ખુબજ સૂક્ષ્મ રૂપમાં (પોટેન્ટાઈઝેશન દ્વારા) રૂપાંતરિત કરીને તેના ઔષધીય ગુણ ઉત્પન્ન કરવાના નિયમ પર કાર્ય કરે છે. જ્યારે કોઈપણ વ્યક્તિની માનસિક,શારીરિક કે આંતરીક કાર્યશક્તિમાં વિસંગતતા ઉભી થાય ત્યારે તેનામાં રોગના લક્ષણો ઉત્પન્ન થાય છે, આ રોગના લક્ષણો દૂર કરવા માટે વ્યક્તિના શરીરમાં રહેલ આંતરીક શક્તિ (VITAL FORCE) ને દવાના માધ્યમથી સ્ટીમ્યુલેટ કરવામાં આવે તો આ વિસંગતતા દૂર થાય છે અને દર્દી રોગના લક્ષણોમાંથી મુક્ત થાય છે.