ગાંધીનગર : ગુજરાતમાં સૌ પ્રથમ રો-રો ફેરી સર્વિસ ફેઇલ થઇ છે. આ સર્વિસ કેમ નિષ્ફળ નિવડી છે તેના કારણો સામે આવ્યા નથી પરંતુ હવે આ સર્વિસ રાજ્ય સરકાર પાસેથી છિનવાઇ રહી છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી અને હવે તેઓ જાતે જ કેન્દ્ર સરકાર હસ્તક તેને લઇ રહ્યાં છે, કારણ કે ગુજરાત સરકાર આ સર્વિસ ચલાવવા ફેઇલ થઇ છે.
ક્યારેક ચાલુ ક્યારેક બંધ એવી આ ફેરી સર્વિસને દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ એટલે કે કેપીટી લઇ લેવાની તૈયારીમાં છે જે ભારત સરકાર હસ્તકનું પોર્ટ છે. આ પોર્ટ હજીરા બંદર પાસે જેટી તૈયાર કરશે. આ ટ્રસ્ટે શોધી કાઢ્યું છે કે આ રો-રો ફેરી સર્વિસ ચલાવવામાં ક્યાં અડચણ આવી રહી છે. હજીરામાં જેટી બનાવવા માટે ઝડપથી ટેન્ડરો બહાર પડશે.
હાલ રો-રો ફેરી સર્વિસ જે રૂટ પર ચાલી રહી છે તે દરિયો ઉંડો હોવાથી મુશ્કેલી પડી રહી છે. ફેરીનું એન્જીન દરિયાની રેતીમાં ઘૂસી જાય છે અને બંધ પડી જાય છે. જ્યારે સર્વિસ બંધ પડે છે ત્યારે મુસાફરોના જીવ તાળવે ચોટે છે. એન્જીનને પણ મોટું નુકશાન થયેલું છે.
રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ તો કરી દીધો છે પરંતુ તેનું સંચાલન અને વહીવટ મોંઘો પડી રહ્યો છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ આ સર્વિસને ટકાવી રાખવા માટે સક્ષમ નથી તેવું દેખાઇ રહ્યું છે તેથી મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હવે કેપીટી ચલાવશે.
રો-રો ફેરીનું સંચાલન કરતી સુરતની ઇન્ડિગો સીવેજ પ્રાઇવેટ લિમિટેડ પણ રો-રો ફેરીને ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહી છે. દરિયામાં યોગ્ય ઉંડાઇ જળવાઇ રહે તે માટે રેતી કાઢવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે પરંતુ તે અશક્ય છે. આ કામ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ પણ ખૂબ ખર્ચ કરી રહી છે. દહેજ અને ઘોઘા બંદરે ફેરી માટે યોગ્ય ઉંડાઇ મળી રહે તે માટે રેતી કાઢવાનો ખર્ચ 100 કરોડ રૂપિયા જેટલો થાય છે જે ગુજરાત સરકારને હવે પોસાય તેમ નથી.