લોકડાઉનના કારણે આસામના શક્તિપીઠ કામાખ્યા મંદિરનો પ્રસિદ્ધ અંબુવાચી મેળો આ વર્ષે યોજાશે નહીં. લગભગ 500 વર્ષમાં પહેલીવાર આવું થઇ રહ્યું છે, જ્યારે મંદિરના સૌથી મોટા પર્વમાં કોઇ બહારના સાધક સામેલ થઇ શકશે નહીં. 22થી 26 જૂનની વચ્ચે યોજાતો આ મેળામાં દુનિયાભરથી તંત્ર સાધક, નાગા સાધુ, અઘોરી, તાંત્રિક અને શક્તિ સાધક એકઠા થાય છે. પરંતુ, આ વર્ષે કોરોનાવાઇરસના કારણે આ પર્વની પરંપરાઓને મંદિર પરિસરમાં થોડાં જ લોકોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવશે.
ગુવાહાટી પ્રશાસને મંદિરની આસપાસ રહેલ હોટેલ્સ, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસને પણ જણાવ્યું છે કે, હાલ તેઓ કોઇ બુકિંગ લે નહીં. અંબુવાચી મેળો કામાખ્યા મંદિરનો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે. અહીં દેવીની પૂજા યોનિ સ્વરૂપમાં થાય છે, એવું માનવામાં આવે છે કે, અંબુવાચી ઉત્સવ દરમિયાન માતા રજસ્વલા થાય છે, દર વર્ષે 22 થી 25 જૂન સુધી મંદિર બંધ રાખવામાં આવે છે. 26 જૂને શુદ્ધિકરણ બાદ દર્શન ખોલવામાં આવે છે. અંબુવાચી સંસ્કૃત શબ્દ ‘અમ્બુવાક્ષી’ થી બન્યો છે. સ્થાનિક ભાષામાં તેને અમ્બુબાચી કે અમ્બુબોસી કહેવામાં આવે છે. તેનો અર્થ મોનસૂનની શરૂઆતથી પૃથ્વીના પાણીને સાચવીને રાખવું થાય છે. આ એક મોનસૂન ઉત્સવ જેમ છે.