ગાંધીનગર- ગુજરાત ભાજપના સંગઠનના ટોચના નેતાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારથી ખફા થયેલા છે તેથી વારંવાર એવી અફવાઓ ચાલે છે કે સરકારમાં નેતૃત્વ પરિવર્તન થઇ રહ્યું છે. 2017ની ચૂંટણી સરકારે બોર્ડ કોર્પોરેશનમાં ભાજપના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓની રાજકીય નિયુક્તિ કરી નથી. આમ નહીં થવાથી તેઓ નારાજ ચાલી રહ્યાં છે. સરકારના આદેશોનું પાલન પણ થતું નહીં હોવાની ફરિયાદ ઉભી થઇ છે. અગાઉ વારંવાર કહેવામાં આવ્યું છે કે નિયુક્તિ કરવી પરંતુ મુખ્યમંત્રી આ નિયુક્તિ કરતા નથી.
ગુજરાતમાં ફરી એકવાર સરકાર અને સંગઠન વચ્ચે તિરાડ સર્જાઇ છે, જો કે પ્રદેશ એકમના ટોચના નેતાઓ તમાચો મારીને તેમનો ગાલ લાલ રાખવા મથી રહ્યાં છે અને કહે છે કે બઘું બરાબર છે. અમે સરકારના નિર્ણયો અને જાહેરાતોનો પ્રચાર અને પ્રસાર કરીએ છીએ. જો કે બોર્ડ કોર્પોરેશનમાં નિયુક્તિ કેમ થતી નથી તેવા પ્રશ્નથી તેઓ પીછો છોડવી રહ્યાં છે.
કોરોના સંક્રમણ અને લોકડાઉન પહેલાંના માહોલમાં પાર્ટીએ વિવિધ પ્રોજેક્ટોમાં મદદ કરવા ભાજપના સંગઠનને એક્ટિવ થતાં કહ્યું હતું પરંતુ તેનું પાલન થયું ન હતું, લોકડાઉન પછી તો પાર્ટીનું સંગઠન કોઇ એવાં કાર્યક્રમો કે પ્રચાર અને પ્રસારનું કામ કરતું નથી. ગુજરાત સરકાર અને પાર્ટીના પ્રદેશ સંગઠન વચ્ચે સંકલન તૂટી રહ્યું છે. રાજ્યમાં નવા પ્રદેશ પ્રમખનો તમામ હોદ્દેદારોને ઇન્તજાર છે.
ગુજરાતના મહત્વના બોર્ડ-કોર્પોરેશન કે જેમાં રાજકીય નિયુક્તિ થઇ શકે ત્યાં ચેરમેન નિમવાની તેમજ 1000 જેટલા ડિરેક્ટરો નિમવાની પ્રક્રિયા શરૂ થતી નથી. છેલ્લા અઢી વર્ષથી આ નિયુક્તિ થઇ નથી તેથી પાર્ટીના સિનિયર નેતાઓ અને ધારાસભ્યોમાં નારાજગી છે. પાર્ટીના એક નેતાએ નામ નહીં આપવીની શરતે કહ્યું હતું કે અમારા મુખ્યમંત્રી મંત્રીમંડળનું વિસ્તરણ ભલે ના કરે પરંતુ બોર્ડ કોર્પોરેશનમાં તેમણે નિયુક્તિ કરવી જોઇએ કે તેથી સંગઠનમાં વ્યાપેલો અસંતોષ દૂર કરી શકાય.
તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ છ મહાનગરોની ચૂંટણી આવી રહી છે ત્યારે અમને આશા છે કે મુખ્યમંત્રી જાહેર સાહસોમાં પોલિટીકલ નિયુક્તિ કરશે. અગાઉ પણ સંગઠન તરફથી મુખ્યમંત્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. અમારી પાસેથી યાદી મંગાવવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.