ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી રહ્યાં છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ભક્તો દર્શન કરી રહ્યાં છે. અંબાજી અને બહુચરાજીના મંદિરો લોકપ્રિય છે. લોકોની આસ્થા પણ આ મંદિરો સાથે જોડાયેલી છે. ભક્તો માતાજીના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરી રહ્યાં છે.
આવા જ એક ભક્તે બહુચરાજી મંદિરમાં તેમની જૂની મનોકામના પૂર્ણ કરી છે. એક ભક્તે બહુચર માતાજીને સોનાનો મુગટ અર્પણ કર્યો છે. આ મુગટનું વજન 600 ગ્રામ સોનાનું છે અને તેની કિંમત 25 લાખ રૂપિયા થવા જાય છે. કોરોના સંક્રમણ વચ્ચે લોકડાઉન ખૂલ્યા પછીનું આ પહેલું સોનાનું દાન છે, જે મંદિરમાં આવ્યું છે. લોકડાઉનના અઢી મહિનામાં અંબાજી અને બહુચરાજી મંદિરમાં દાનની માત્રા ઘટી ગઇ હતી પરંતુ હવે તે શરૂ થઇ ચૂકી છે.
આ બન્ને મંદિરોમાં ભક્તો યથાશક્તિ દાન કરી રહ્યાં છે. ગુજરાતના તમામ યાત્રાસ્થાનો સહિત અસંખ્ય મંદિરોમાં દર્શન માટે લોકોને છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે મંદિરો અને બીજા ધાર્મિક સ્થાનો ખોલ્યાં છે પરંતુ કાઉન્ટર પર ટોકન પદ્ધતિ લાગુ કરવામાં આવી છે જેથી મંદિરમાં ભીડ ઉભી ન થાય.અંબાજી મંદિરમાં ભાવિક ભક્તો આવી રહ્યાં છે તેમ બહુચરાજીમાં પણ ભક્તો પૂજા-અર્ચના કરવા આવી રહ્યાં છે. એક ભક્તએ સોનાનું દાન કર્યું છે જે લોકડાઉન પછીનું કદાચ પહેલું દાન હશે. પોતાનું ધાર્યું થતાં આ ભાવિક ભક્તે મંદિરમાં માતાજીને 600 ગ્રામ સોનાનો મુગટ પહેરાવ્યો હતો અને પૂજા-અર્ચના કરી હતી.