ગાંધીનગર – અમદાવાદ, સુરત અને વડોદરાને બાદ કરતાં સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં કોરોના સંક્રમણની માત્રા ધીમે ધીમે ઘટતી જાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કેસોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ કેસોની સંખ્યા 20574 થઇ છે જે પૈકી એકલા અમદાવાદમાં 14631 પોઝિટીવ કેસો સામે આવેલા છે.
ગુજરાતમાં પ્રતિદિન 450 થી 490ના આંકડામાં કેસો વધતા જાય છે જે પૈકી અમદાવાદના કેસોની સંખ્યા 350ની આસપાસ જોવા મળી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.56 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 2.10 લાખ દર્દીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે. મોટાભાગના દર્દીઓમાં લક્ષણો નથી તેથી તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી.
ગુજરાતમાં હાલ 5330 દર્દીઓ છે જે પૈકી 59 વેન્ટીલેટર પર છે જ્યારે 5271 સ્ટેબલ છે. રાજ્યમાં 13964 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે જ્યારે મૃત્યુઆંક 1280 થયો છે. મહત્વની બાબત એવી સામે આવી છે કે ગુજરાતના જે જિલ્લામાં માત્ર એક થી પાંચ કેસ પોઝિટીવ છે તેમાં અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, મહિસાગર, મોરબી, નર્મદા, પોરબંદર અને તાપી છે. રાજ્યમાં સૌથી વધુ 1039 મૃત્યુ એકલા અમદાવાદમાં થયાં છે.
ગુજરાતમાં અનલોક-1માં સ્થિતિ પૂર્વવત થતી જાય છે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે જે લોકોના રિપોર્ટ પોઝિટીવ આવે છે તેમને બઘાંને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી પરંતુ તેમને હોમ ક્વોરન્ટાઇનની સૂચના આપવામાં આવે છે. એટલું જ નહીં તેમના રોગની તીવ્રતાને પણ જાણવામાં આવે છે. આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે સામાન્ય લક્ષણો હોય તેવા દર્દીઓને ઝડપથી સારૂં થઇ જાય છે.