ગાંધીનગર – કોરોના સંક્રમણ સમયે દિન-રાત જોયા વિના દર્દીઓને બચાવવાનું કામ કરતાં આરોગ્ય કર્મચારીઓને બીજા કર્મચારીઓના પગાર ઘટાડીને વધારે પગાર આપવો જોઇએ તેની જગ્યાએ તેમના પગારમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. જો આમ થયું તો મેડીકલ ક્ષેત્રમાં કામ કરતાં સ્ટાફની એફિસિયન્સી પર મોટી અસર થવાની દહેશત છે.
અમદાવાદની આધુનિક એસવીપી હોલ્પિટલમાં કોરોના સામે લડતા ડોક્ટરો તેમજ નર્સ સહિતનો સ્ટાફ પોતાના જીવના જોખમે પરિવારજનોથી દૂર રહીને દર્દીઓની સેવા કરી રહ્યો છે ત્યારે તેમને યોગ્ય મહેનતાણું આપવાની જગ્યાએ તેમના પગારમાં કાપ મૂકવાની અને નોકરીમાંથી દૂર કરવાની ધમકી આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે એએમસીએ નોટીસ આપી 20 ટકા પગાર વધારો આપવાનો આદેશ કર્યો છે.
એસવીપી હોસ્પિટલ દ્વારા કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે. જો ઓછા પગારમાં કામ ન કરવું હોય તો નોકરી છોડી દેવાની ચિમકી પણ આપવામાં આવી હોવાનું સ્ટાફ મેમ્બરો કહી રહ્યાં છે. એસવીપી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી રહી છે. જો કે હોસ્પિટલના સત્તાધિશો કહે છે કે અમે કોઇ સ્ટાફ મેમ્બરના પગારમાં કોઇ કાપ મૂક્યો નથી કે તેમને નોકરી છોડવાની ધમકી આપી નથી.
જો કે એસવીપીના વહીવટી તંત્ર દ્વારા 200 કર્મચારીઓના પગારમાં 10 હજાર થી 12 હજારનો કાપ મૂકવામાં આવ્યો છે. કેટલાક કર્મચારીઓના પગારનો પહેલો ઓર્ડર 35000 અને બીજો ઓર્ડર 22000 રૂપિયાનો છે. હોસ્પિટલે દૈનિક 250 રૂપયાના વધારાની ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું છે. પગાર ઘટાડા સામે નર્સોએ આંદોલન શરૂ કરતાં સરકારને આદેશ કરવાની ફરજ પડી છે.એસવીપીના વહીવટી તંત્રએ કહ્યું છે કે કંપની ખોટમાં ચાલે છે તેથી કોઇને પણ વધારો આપવામાં આવ્યો નથી. પગાર કાપની ચર્ચા જો સાચી હોય તો ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહેવાશે. જો કે આ ઘટનાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એસવીપી કંપનીને નોટીસ આપી છે અને કહ્યું છે કે તમામ સ્ટાફના પગારમાં 20 ટકા કાપ નહીં પણ 20 ટકાનો પગાર વધારો આપો.