ગાંધીનગર – કોરોના સંક્રમણ સામે લડવા માટે સરકાર તૈયારી કરે છે જ્યારે કોરોના પેશન્ટને ઉગારવા માટે કોરોના વોરિયર્સ જહેમત ઉઠાવી રહ્યાં છે. ઇન્ટિગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઇન ટ્રેનિંગ – દિક્ષા પ્લેટફોર્મ દ્વારા તાલીમબદ્ધ થયેલા 2.81 લાખથી વધુ કોરોના વોરિયર્સ ગુજરાતમાં કોરોના સામે યુદ્ધે ચઢ્યાં છે.
કોરોના સામે લડવા વિશેષ તાલીમ પામેલા વૉરિયર્સમાં ગુજરાત ભારતમાં અગ્રેસર છે. કોવિડને લગતી શ્રેષ્ઠ તાલીમ આપવા માટે જાણીતી ઈન્ટિગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ (IGOT) દિક્ષા પ્લેટફોર્મ થકી તાલીમબદ્ધ થયેલા 2.81 લાખથી વધુ કોરોના વૉરિયર્સ ગુજરાતમાં કોરોનાને નાથવા જહેમત ઉઠાવી રહ્યા છે. રાજ્યભરમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની શ્રેષ્ઠ સારવાર માટે આ તાલીમબદ્ધ સ્ટાફ સતત ખડેપગે રહીને સેવારત છે.
કોવિડની મહામારીમાં સંક્રમણને લીધે રોગનો વ્યાપ ખૂબજ ઝડપથી વધી રહ્યો છે. આવા સંજોગોમાં તેને નિયંત્રિત કરવા માટે ચોક્કસ તાલીમ પામેલા સ્ટાફની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે આ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે.પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં કોવિડ માટે IGOT તાલીમ પામેલા વોરિયર્સની સંખ્યાની બાબતમાં દેશમાં અગ્રેસર છે. IGOT દીક્ષા પ્લેટફોર્મ પર ગુજરાતના 2,81,420 કોવિડ યોદ્ધાઓ નોંધાયેલા છે. IGOT પરના અભ્યાસક્રમો માટે નોંધણી થયેલા 7,89,744 પૈકી 5,70,017 વ્યક્તિઓએ વિવિધ કેડર દ્વારા તાલીમ પુરી કરી છે.
ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા IGOT પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. ડીઆઈસીએસએ IGOT પરના અભ્યાસક્રમોમાં ડોકટરો, નર્સો, પેરામેડિક્સ, હાઇજિન વર્કર્સ, ટેકનિશિયન, સહાયક નર્સિંગ મિડવાઇવ્સ અનુલક્ષીને વિવિધ અભ્યાસક્રમો તૈયાર કર્યા છે.અધિકારીઓ, નાગરિક સંરક્ષણ અધિકારીઓ, વિવિધ પોલીસ સંસ્થાઓ, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (એનસીસી), નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન (એનવાયકેએસ), રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ), ભારતીય રેડ ક્રોસ સોસાયટી (આઈઆરસીએસ), ઇન્ડિયન સ્કાઉટ અને માર્ગદર્શિકાઓ (બીએસજી) અને અન્ય સ્વયંસેવકો આ તાલીમ લઈને કોરોનાની વિકટ પરિસ્થિતિ સામે લડવા સક્ષમ બને એ ઉદ્દેશથી આ પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ તાલીમ દ્વારા ફ્રન્ટલાઈન વોરિયર્સની કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે અને તેઓ વધુ સારી રીતે સેવા આપી શકશે. વધુમાં તેઓ આ તાલીમના લીધે લોકોના આરોગ્યની સંભાળ વિશેષ રીતે રાખી શકશે અને કોવિડ વોરિયર્સ તાલીમ દ્વારા મળેલ નોલેજનો ઉપયોગ રોગચાળાને નિયંત્રણમાં રાખવામાં પરોક્ષ રીતે મદદરૂપ નિવડશે. IGOT દિક્ષા પ્લેટફોર્મ અંતર્ગત ચાલી રહેલા વિવિધ કોવિડ મહામારીને લગતા અભ્યાસક્રમોમાં મુખ્યત્વે ‘ચેપ નિવારણ દ્વારા પીપીઇ’, ‘સાયકોસોસિઅલ કેર’, ‘ગર્ભાવસ્થાની સંભાળ અને કોવિડ’, ‘આઇસીયુ કેર અને વેન્ટિલેટર મેનેજમેન્ટ’ અને ‘કોવિડનું ક્લિનિકલ મેનેજમેન્ટ’ સહિતના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. જેની તાલીમ હેલ્થ અને નોન હેલ્થ સ્ટાફ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.