ભારત સરકારની કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન લિમિટેડ (NPCIL), અમેરિકાની વેસ્ટિંગ હાઉસ કંપની અને અમેરિકન સરકાર એમ તમામ પક્ષકારો સામે ગ્રામજનોએ કરેલા વિરોધને પગલે આખરે મીઠી વીરડી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પડતો મુકવો પડ્યો છે.
૨૦૦૮માં ભારત અને અમેરિકાએ નાગરિક પરમાણુ સંધિ કર્યા પછી, દેશમાં આ પ્રથમ સૂચિત પરમાણુ પ્લાન્ટ હતો. ૨૦૦૯માં રૂ.૫૦,૦૦૦ કરોડના આ પ્લાન્ટને સરકારે મંજૂરી આપી હતી અને ૧૮ મેના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ પ્લાન્ટ ખસેડવાનો ઓર્ડર આપ્યો હતો.
પર્યાવરણ સુરક્ષા સમિતિએ મીઠી વીરડીના ગ્રામજનો વતી આ કેસમાં લડત આપી હતી. ગ્રામજનોએ જસાપરા ગામ ખાતે ઢોલનગારા સાથે વિજયને વધાવ્યો હતો અને લાંબી લડત બાદ એનજીટી ખાતે સત્યની જીત થઈ છે તેવો મત વ્યક્ત કર્યો હતો. આ પ્લાન્ટ હવે આંધ્રપ્રદેશના કોવાડામાં ખસેડાયો છે, જેની સામે પણ આ ગ્રામજનો વિરોધ કરશે.
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય વતી તેમના વકીલે એવી રજૂઆત કરી હતી કે, મીઠી વીરડી ખાતેના અણુમથક માટે એનપીસીએલને જે CRZ મંજૂરી આપવામાં આવી હતી, તે પ્રોજેક્ટ જમીન અધિગ્રહણ સામે ઉપસ્થિત થયેલા પ્રશ્નોને લીધે હવે આંધ્રપ્રદેશના કોવાડા ખાતે તબદીલ કરવામાં આવ્યો છે. આમ, આ પ્રોજેક્ટની મીઠી વીરડી ખાતે કોઈ કાર્યવાહી ન કરવાની હોવાથી તેને ડી-લિસ્ટ કરવામાં આવ્યો છે. હવે પ્રોજેક્ટ તબદીલ થવાથી હવે કોઈ દાદ માંગવાની રહેતી નથી.
પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ અને કૃષ્ણકાંત ચૌહાણએ કેસની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૨૦૦૭થી યેન કેન પ્રકારે ન્યુક્લિયર પાવર અંગે પ્રચાર કરી NPCIL ભારત સરકાર, વેસ્ટિંગ હાઉસ કંપની અને અમેરિકન સરકારે સૂચિત ૬,૦૦૦ મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ મીઠી વીરડી, જસાપરા ખાતે સ્થાપવાની કોશિશ કરી હતી.
લોકોનો રસ્તા પરનો સતત સંઘર્ષ અને ટાંચાં સાધનો હોવા છતાં કાયદાકીય સંઘર્ષના પરિણામ સ્વરૂપ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય સામે એનજીટીની પૂણે બ્રાન્ચ ખાતે જસાપરાના ગ્રામજનો વતી શક્તિસિંહ ગોહિલ, જાગૃતિબેન ભાગીરથસિંહ ગોહિલ અને મીઠી વીરડી ગામ વતી હાજાભાઈ દિહોરા અને રોહિત પ્રજાપતિ તથા કૃષ્ણકાંત (પર્યાવરણ સુરક્ષા સમિતિ)એ કેસ કર્યો હતો.
NPCILને સીઆરઝેડ ક્લિયરન્સ મળતાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, પૂણે ખાતે ગ્રામજનોએ કેસ કરી પડકાર્યો હતો. ૧૮ મે ૨૦૧૭ના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ કેસની સુનાવણી દરમ્યાન કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે અંતે એ વાતનો સ્વીકાર કરવો પડ્યો હતો કે, મીઠી વીરડી-જસાપરા ખાતે સૂચિત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પડતો મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેથી સીઆરઝેડ ક્લિયરન્સની વાતનો કોઈ મતલબ રહેતો નથી તેમ સ્વીકારવું પડ્યું છે.
અને તેથી જ આ સૂચિત પાવર પ્લાન્ટની કોઈ સુનાવણી હવે પર્યાવરણ મંત્રાલય ખાતે કરવાની રહેતી નથી. આમ, લોકોની આ સૂચિત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સામેના સંઘર્ષનો વિજય થયો છે. મીઠી વીરડી આસપાસના ગ્રામજનો આ પ્લાન્ટ આંધ્રપ્રદેશમાં કોવાડા ખાતે ખસેડાયો હોવા છતાં તેના વિરોધમાં હજુ સંઘર્ષ ચાલુ રાખશે. ભારતના લોકશાહી ઈતિહાસમાં આ એક નવી શરૂઆત છે. સંઘર્ષનો અંત નથી.