ગાંધીનગર – ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક્ટિવ થયાં છે અને જોખમી રીતે હોસ્પિટલોમાં ફરી રહ્યાં છે. તેઓ દર્દીઓને મદદ કરવા પણ આગળ આવી રહ્યાં છે. તેમનો પ્લાન શું છે તેની ભાજપના પ્રદેશ નેતાઓ પણ છાનબીન કરી રહ્યાં છે. શું શંકરસિંહ ફરીથી કોંગ્રેસમાં જવાની તૈયારી કરી રહ્યાં છે. શું તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં એનસીપીને મોટાપાયે મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહ્યાં છે. તેઓ કોરોના સંક્રમણના સમયે એક્ટિવ કેમ થયાં છે.. આવા અનેક પ્રશ્નો પૂછાઇ રહ્યાં છે.
1995 અને 1996માં ભાજપની બે સરકારોને ઉથલાવીને મુખ્યમંત્રી બનેલા શંકરસિંહ વાઘેલાએ તેમના શાસનમાં બોલ્ડ નિર્ણયો લઇને કોંગ્રેસની સાથે ભાજપના નેતાઓને ચોંકાવી દીધા હતા. જો તેઓ ગુજરાતમાં પાવરફુલ થયાં તો આપણું અસ્તિત્વ જોખમાશે તેવું બન્ને પાર્ટીના નેતાઓને લાગતું હતું તેથી તેમની સરકારને પાડવામાં બન્ને પાર્ટીના પ્રદેશ નેતાઓ એક થઇ ગયા હતા.
સરકાર મારી જૂતે મારી… શંકરસિંહ કહે એ જીઆર… હું કહું તેમ થવું જોઇએ.. આ તેમની સરકારના લોકપ્રિય વાક્યો હતા. ગુજરાતમાં બોલ્ડ સરકાર આપનારા તેઓ ચીમનભાઇ પટેલ પછી બીજા મુખ્યમંત્રી હતા. રાજ્યમાં સંજોગોએ જેમને સીએમ બનાવ્યા હતા તેવા નેતાઓ બોલ્ડ નિર્ણયો લઇ શકતા ન હતા. આજે પણ એવા નેતા બોલ્ડ નિર્ણયો લેતા નથી.
ગુજરાતમાં માધવસિંહ પછી અમરસિંહ ચૌધરી, ચીમનભાઇ પટેલ પછી છબીલદાસ મહેતા, કેશુભાઇ પછી સુરેશ મહેતા, શંકરસિંહ પછી દિલી પરીખ, નરેન્દ્ર મોદી પછી આનંદીબહેન પટેલ અને હવે વિજય રૂપાણી એ કેન્દ્રીય મોવડીમંડળને આધિન છે. ઉપર પૂછ્યા વિના આ નેતાઓ પાણી પણ પી શક્યા નથી.
કોરોના સંક્રમણ સમયે શંકરસિંહ વાઘેલાએ પહેલાં ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાનો ટાઇમબોમ્બ ફોડ્યો હતો. હવે તેઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે છે. તેમના ટ્વિટર હેન્ડલ અને ફેસબુક એકાઉન્ટથી ગુજરાતની જનતાની વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યાં છે. શંકરસિંહ વાઘેલા રાજનીતિમાં ફરી એક્ટિવ થઇ રહ્યાં છે ત્યારે કોંગ્રેસ જ નહીં ભાજપના નેતાઓને આશ્ચર્ય થયું છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં આવી રહી છે પરંતુ તે પહેલાં 2020માં રાજ્યની છ મહાનગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો 200થી વધુ તાલુકા પંચાયતો અને 100થી વધુ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી આવી રહી છે. આ સંજોગોમાં તેઓ કોંગ્રેસ અને એનસીપી સાથે મોટો રાજકીય સોદો કરવાની ફિરાકમાં હોય તેવી પ્રાથમિક છાપ ઉપસી આવે છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાનો કહેર ચાલુ છે. ભાજપના મંત્રીઓ, સાંસદો કે ધારાસભ્યો કોરોનાગ્રસ્ત દર્દીઓની મુલાકાતે હોસ્પિટલોમાં જતાં ડરી રહ્યાં છે ત્યાં શંકરસિંહ વાઘેલા પહોંચી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ભાજપમાં કેશુભાઇ પટેલ પછી શંકરસિંહ વાઘેલા એવા નેતા હતા કે તેઓએ ગુજરાતના 18000 ગામડાઓનો પ્રવાસ કરેલો છે. આટલા ગામો નરેન્દ્ર મોદી પણ ફરી શક્યા નથી.
સોશ્યલ મિડીયમાં એક્ટિવ થયેલા શંકરસિંહ વાધેલાને કોઇ મેસેજ કરે છે તો તેઓ તેનો તુરંત રિપ્લાય આપે છે અને શક્ય તેટલી મદદ કરે છે. તેઓ ડોક્ટરોને સીધા ફોન કરી દર્દીને દાખલ કરવાની સૂચના આપે છે. સિવિલ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલોમાં કોંગ્રેસના નેતાઓની મુલાકાત સમયે ડોક્ટરો આવતા નથી પરંતુ શંકરસિંહ જ્યાં જાય છે ત્યાં ડોક્ટરો પણ એકત્ર થઇ જાય છે. આજે પણ સિંહ ઘરડો થયો છે પરંતુ ત્રાડ ઓછી થઇ નથી. આવનારા દિવસોમાં શંકરસિંહ ગુજરાતના રાજકારણમાં મોટું નામ બનીને ઉભરી શકે છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.