ગાંધીનગર- ગુજરાતના ગરીબ દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા તો જાય છે પરંતુ સ્ટાફની અછત હોવાથી દર્દીઓની સમયસર સારવાર થઇ શકતી નથી. અમદાવાદ સ્થિત ત્રણ મોટી સરકારી હોસ્પિટલોમાં મેડીકલના સાધનો સર્વોત્તમ અને નવી ટેકનોલોજી યુક્ત છે પરંતુ તેને ચલાવી શકે તેવો ટ્રેઇન સ્ટાફ નથી. આ સ્ટાફ ભરવા માટે આરોગ્ય વિભાગે છેલ્લા કેટલાક વર્ષોથી આઉટ સોર્સિંગ શરૂ કર્યું છે.
પ્રાઇવેટ એજન્સીઓ સરકારી હોસ્પિટલોમાં ટ્રાફની ભરતી કરતી હોય છે. અમદાવાદની સિવિલ, કીડની, હાર્ટ અને કેન્સરની મોટી હોસ્પિટલમાં મંજૂર મહેકમ સામે પુરતો સ્ટાફ નથી. સિવિલમાં 4699નો સ્ટાફ મંજૂર કરવામાં આવ્યો છે જે પૈકી 935 જગ્યાઓ ખાલી પડી છે જે પૈકી વર્ગ-1ની 33 જગ્યાઓ ખાલી છે. યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં 4399ની જગ્યાઓ સામે 2513 જગ્યાઓ ખાલી છે. કીડની ઇન્સ્ટીટ્યુટમાં 451 સામે 87 અને ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં 1108 જગ્યાઓ સામે 158 જગ્યાઓ ખાલી છે.
આ તમામ હોસ્પિટલો પૈકી ડોક્ટરો તેમજ પેરા મેડીકલ સ્ટાફ નહીં મળતો હોવાથી સરકારે સિવિલ હોસ્પિટલમાં 1788 ખાલી જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરી છે તેમ છતાં આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. યુએન મહેતા હોસ્પિટલમાં કરારથી 1886 જગ્યાઓ ભરવામાં આવી છે, જ્યારે કેન્સર હોસ્પિટલમાં કરારથી 78 અને આઉટસોર્સિંગથી 176 જગ્યાઓ ભરી છે.
આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલમાં કરાર અને આઉટ સોર્સિંગથી ખાલી જગ્યાઓ ભરવા માટે રાજદીપ એન્ટરપ્રાઇઝ, એમજે સોલંકી અને ઇથોસ એચઆર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ્સ જેવી એજન્સીઓને નક્કી કરી છે. એ ઉપરાંત યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં જાહેરાત આધારિત કરાર પદ્ધતિથી જગ્યાઓ ભરવામાં આવે છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ ત્રણ એજન્સીઓને મેડીકલની જગ્યાઓ ભરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં સરકારે કરાર અને આઉટસોર્સિંગ માટે રાજદીપને બે વર્ષમાં 35 કરોડ રૂપિયા આપ્યાં છે. એમજે સોલંકીને બે વર્ષમાં 13 કરોડ તેમજ ઇથોસને 33 લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ ત્રણેય એજન્સીઓ પૈસી રાજદીપે સૌથી વધુ 2000નો સ્ટાફ આપ્યો છે. એમજે સોલંકીએ 900નો સ્ટાફ તેમજ ઇથોસે 12નો સ્ટાફ આપ્યો છે. કેન્સર હોસ્પિટલ માટે રાજદીપ એજન્સીને સરકારે બે વર્ષમાં 5 કરોડ ચૂકવ્યા છે, આ એજન્સીએ બે વર્ષમાં 350 જેટલા કર્મચારીઓ આપ્યાં છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.