ગાંધીનગર – ગુજરાત એસટી નિગમનો વહીવટ કોરોના સંક્રમણ અને લોકડાઉને ખોરવી નાંખ્યો છે. આ નિગમ ખોટ કરી રહ્યું છે અને સરકારને લોન કે ટેક્સના રૂપિયા ચૂકવી શકતું નથી ત્યારે લોકડાઉનના સમયમાં એસટી બસો બંધ રહેતાં વધુ નુકશાન કર્યું છે. એક અંદાજ પ્રમાણે એસટી નિગમે લોકડાઉનના સમયમાં રોજનું સાત કરોડ રૂપિયાનું નુકશાન કર્યું છે.
ગુજરાત એસટી નિગમ સામાન્ય દિવસોમાં 8000થી વધુ બસોનું સંચાલન કરે છે. પ્રત્યેક દિવસે એસટી બસમાં 25 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરતા હોય છે જેના કારણે એસટી નિગમને રોજની સાત કરોડ રૂપિયાની આવક થાય છે. લોકડાઉનના 65 દિવસ ગણવામાં આવે તો નિગમને નુકશાન થયાનો આંકડો 400 કરોડ સુધી પહોંચવા આવ્યો છે. રાજ્ય સરકારે હવે લોકડાઉન 4.0માં એસટી બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ બે મહિના કરતાં વધુ સમય સુધી બસો બંધ રહી છે.એસટી નિગમ અમદાવાદ વિભાગમાંથી રોજની 700 બસોનું સંચાલન કરે છે જે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જતી હોય છે. માત્ર આ વિભાગની રોજની આવક 80 લાખ જેટલી થાય છે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે એસટી નિગમની ખોટમાં તો વધારો થયો છે એટલું જ નહીં, એસટી બસો તેમજ બસસ્ટેશનોની મરામતનો ખર્ચ વધી ગયો છે. એ ઉપરાંત ડ્રાઇવરો, કંડક્ટરો તેમજ મિકેનિકલ સ્ટાફના પગારનો ખર્ચ થયો છે.એસટી કર્મચારી યુનિયનો જણાવે છે કે રાજ્ય સરકારે એસટી નિગમ માટે આર્થિક પેકેજ જાહેર કરવું પડશે. એસટી નિગમે શ્રમિકોને વતન જવા માટે વિનામૂલ્યે મુસાફરી કરાવી છે તેનાથી નિગમને મોટો ફટકો પડ્યો છે. અત્યારે ઝોન પ્રમાણે બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમાં મુસાફરો મળતા નથી.ગુજરાત એસટી નિગમ ખોટના ખાડામાં છે.
એસટી નિગમ પાસેથી રાજ્ય સરકારને કુલ 3326.12 કરોડ રૂપિયા લેવાના નિકળે છે પરંતુ નિગમ આ રૂપિયા ચૂકવી શકતું નથી. આ રકમમાં લોનની રકમ 3146.07 કરોડ થાય છે. એ ઉપરાંત એસટી નિગમ પેસેન્જર ટેક્સના બાકી 157.30 કરોડ અને મોટર વ્હિકલ ટેક્સના બાકી 22.75 કરોડ ચૂકવી શકતું નથી. એસટી નિગમે છેલ્લા બે વર્ષમાં માત્ર 52.81 કરોડની લોન અને પેસેન્જર ટેક્સ પેટે 174.33 કરોડ ચૂકવ્યા છે.બીજી તરફ એસટી નિગમ વાર્ષિક સરેરાશ 800 થી 900 કરોડની ખોટ કરે છે. હવે લોકડાઉનના કારણે ખોટનો આંકડો વધી રહ્યો છે. એસટી નિગમના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે કોરોના સંક્રમણના વધતા જતા આંકડાને જોતાં ગુજરાતમાં એસટી બસોનું સંપૂર્ણ સંચાલન હજી ત્રણ થી ચાર મહિના સુધી રાબેતા મુજબ થઇ શકવાનું નથી તેથી ખોટનો આંકડો વધતો જવાની શક્યતા છે.