ગાંધીનગર – સરકારી વહીવટી તંત્ર ધારે તો બઘું કરી શકે છે, કારણ કે તેની પાસે મેનપાવર છે. તાકાત છે અને સત્તા છે. આવું જ એક કામ દાહોદના વહીવટી તંત્રએ કર્યું છે. મહામહેનતે આ જિલ્લાના કર્મચારીઓએ ખૂબ દૂર અંતરથી દિકરીઓને સહીસલામત પાછી લાવવાનું કામ કર્યું છે. એટલું જ નહીં વાહનમાં પરત આવતી વખતે દિકરીઓ પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવ્યો નથી.
આંધ્રપ્રદેશના વિવિધ પ્રાંતમાં નર્સિંગનો અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની છ જેટલી છાત્રાઓ લોકડાઉનમાં ફસાઇ ગઇ હતી. તેમને પરત લાવવા માટે મદદ માગવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ વાહન મોકલી આ દિકરીઓને પાછી લાવવામાં આવી છે.
વાલીઓ દ્વારા દાહોદના કલેક્ટર વિજય ખરાડીને પોતાની જિલ્લાની દીકરીઓને પરત લાવવા વિનંતી કરવામાં આવી હતી. વાલીઓની રજૂઆત એવી હતી કે તેમની દીકરીઓ ત્યાં ફસાઇ ગઇ છે. આંધ્રપ્રદેશથી અહીં આવવા માટે કોઇ વાહનની વ્યવસ્થા થઇ શકતી નથી ત્યારે તમે કોઇ વ્યવસ્થા કરી તેમને પાછી લાવો.
આ દિકરીઓને લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ થી 4600 કિલોમીટર દૂર ક્રુઝર વાહન મોકલવામાં આવ્યું હતું. આ વાહન સાથે એક વાલીને પણ મોકલવામાં આવ્યા હતા. તેમની સાથે આ જિલ્લાના સામાજિક કાર્યકર રાજેશભાઇ સિસોદિયા પણ જોડાયા હતા.
આ દીકરીઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે કલેક્ટર વિજય ખરાડી પણ આંધ્રપ્રદેશના સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. આ વાહનમાં બેંગ્લોરથી 2, નેલુરથી 2 અને ઉગલથી 2 દીકરીને લઇ વાહન આજે ગુરુવારે સવારે દાહોદ પહોંચી ગયું હતું. દાહોદમાં આવ્યા પછી આ દિકરીઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને તેમને હોમ ક્લોરેન્ટાઇનની સૂચના આપવામાં આવી છે.
પોતાની દિકરીઓ પાછી આવી જતાં વાલીઓએ સરકારનો આભાર માન્યો હતો. મહત્વની બાબત એવી છે કે આ વાહનનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તેમજ રસ્તામાં ભોજનનો ખર્ચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહન કરવામાં આવ્યો છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.