ગાંધીનગર— ગાંધીનગરમાં લોકડાઉન 4.0ના પહેલા દિવસે સવારે જે દુકાનો ખુલી તેમાં સૌથી લાંબી લાઇનો કપડાં લેવા માટે ન હતી. ચશ્મા કે મોબાઇલ ફોન રિપેર કરાવવા માટે ન હતી. આ લાંબી લાઇનો પાન-મસાલાની દુકાનોએ જોવા મળી હતી. બ્લેકમાર્કેટીંગમાં ખરીદી કરીને રૂપિયા વેડફી દેનારા વ્યસનીઓએ આ લાઇનો લગાવી હતી.ગાંધીનગરમાં એક અચરજ જોવા મળ્યું હતું. એક જગ્યાએ નહીં પરંતુ 10 અલગ અલગ જગ્યાએ આવેલી પાન-મસાલાની દુકાનો આજે સવારે ખોલવામાં આવી હતી.
સવારથી જ બહારના ભાગે પહેલીવાર એક એક કિલોમીટર જેટલી લાંબી લાઇન હતી. જેવી આ દુકાનો ખુલી એટલે વેપારીઓએ અંદરથી કેસર કેરીના પાર્સલ કાઢીને દુકાનની બહાર ગોઠવવાના શરૂ કરી દીધા હતા.લોકોના આશ્ચર્ય વચ્ચે વેપારીએ કેરી વેચવાનું શરૂ કરી દીધું હતું. પાન-મસાલા કે સિગારેટ લેવા આવેલા ગ્રાહકોએ જ્યારે પૂછ્યું કે આ શું કરો છો. અમારે કેરી નહીં મસાલા અને સિગારેટ કે તમાકુ જોઇએ છે. વેપારીએ કહ્યું કે દુકાન પાન અને મસાલાની છે પરંતુ હોલસેલરોની દુકાનોએથી માલસામાન આવ્યો નથી તેથી અમે અત્યારે કેસર કેરી વેચીએ છીએ.
કેરી લઇ જાવ, બે-ત્રણ દિવસમાં પાકી જશે.ગાંધીનગર અને અમદાવાદના બજારોમાં પોલીસની સૌથી વધુ વોચ પાન-મસાલાની દુકાનો પર હતી, કારણ કે સવારથી જ આ દુકાનોની આગળ લાઇનો લાગી હતી. જેવી દુકાનો ખુલે કે તુરત જ લોકોની ભીડ એકત્ર થઇ જતી હતી. જેમની પાસે સ્ટોક હતો તે સ્ટોક માત્ર એક કલાકમાં પૂરો થઇ ગયો હતો.ગુજરાત સરકારે તેની ગાઇડલાઇનમાં સ્પષ્ટ કર્યું છે કે પાન-મસાલાના દુકાનદારો કે ગલ્લાધારકો જો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરાવે તો તેની દુકાન બંધ કરી દેવામાં આવશે. એટલું જ નહીં વેચનાર અને ખરીદનાર એમ બન્નેએ માસ્ક પહેરેલું હોવું જરૂરી છે.
દુકાનની આગળના ભાગમાં હેન્ડ સેનેટાઇઝર વસાવવું પણ ફરજીયાત છે.ગુજરાતના શહેરોમાં પહેલા દિવસે પાન-સિગારેટના ગલ્લા ખોલવામાં આવ્યા પરંતુ દુકાનમાં માલ ઓછો હોવાથી મોટાભાગના લોકો નિરાશ થઇ ગયા હતા. આ દુકાનદારો કે ગલ્લાના માલિકો પાસે તમાકુનો અભાવ હતો. માત્ર જૂની સિગારેટ મળતી હતી. જથ્થાબંધ માર્કેટમાંથી માલસામાનની ડિલીવરી વિના ગ્રાહકોને તેમની મનપસંદ ચીજવસ્તુ મળી શકે તેમ નથી.
અમદાવાદ અને ગાંધીનગરમાં જ્યાં પાન-સિગારેટના ગલ્લા દુકાનોમાં આવેલા છે ત્યાં વેપારીઓ અત્યારે કેસર કેરી વેચી રહ્યાં છે. આશ્ચર્ય સાથે જે લોકો પાન-મસાલા લેવા જાય છે તેઓને વ્યસન તો મળતું નથી પરંતુ કેસર કેરી લઇને પાછા આવે છે. તમાકુ અને સોપારીના હોલસેલ વેપારીઓએ હજી તેમનો માલ ડિલીવર કર્યો નથી ત્યારે પાન-મસાલાના ગલ્લા કે દુકાનો ખોલવાનો કોઇ અર્થ રહેતો નથી.મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે પહેલા દિવસે પાન-મસાલાની દુકાનો અને ગલ્લાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી. ઘણી જગ્યાએ ડિસ્ટન્સ નહીં રાખતાં પગલાં લેવાની ફરજ પડી છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં આવી દુકાનોને બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઘણી જગ્યાએ પાન-મસાલા અને સિગારેટ મેળવવા માટે લાંબી લાઇનો લાગી હતી.