ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાના વેપારીઓ, દુકાનદારો, કારીગરો અને વ્યવસાયકારો માટે એક લાખ રૂપિયાની લોનની જાહેરાત કર્યા બાદ સરકારે તેની ગાઇડલાઇન નક્કી કરી છે અને તેના ફોર્મનું વિતરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ લોનમાં વ્યક્તિએ માત્ર બે ટકાના દરે વ્યાજ ભરવાનું છે અને તેના હપ્તા છ મહિના પછી શરૂ થવાના છે. આત્મનિર્ભર ગુજરાત નામની આ યોજના માટેના અરજી ફોર્મ 21મી મે થી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે અરજી ફોર્મ રાજ્યની 1000 જેટલી જિલ્લા સહકારી બેન્કની શાખાઓ, 1400 અર્બન કોઓપરેટીવ બેન્કો તેમજ 7000 ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીઓ મળીને કુલ 9000 જગ્યાએથી લોકોને મળી રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક નાના વેપારી કે વ્યવસાયકારે ફોર્મ ભરીને 31મી ઓગષ્ટ સુધીમાં શાખાઓમાં આપવાના છે. આ ફોર્મ પેટે કોઇપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. સરકારની ધારણા છે કે આ સ્કીમનો લાભ રાજ્યના 10,00,000 લોકો લેશે. આ લોન કોઇ પણ જાતની ગેરંટી વગર અપાશે.સહકારી સંસ્થાઓ આવી લોન આઠ ટકાના દરે આપવાની છે પરંતુ લોન લેનારે માત્ર બે ટકા ભરવાના છે. નાના ધંધો-વ્યવસાય કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તેવા ભાવથી રાજ્ય સરકાર બાકીના 6 ટકા વ્યાજ ભરશે