ગાંધીનગર—ગુજરાત સરકાર કેન્દ્રને અનુસરી રહી છે. દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમની રીતે લોકડાઉનનું પાલન કરે છે પરંતુ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે એમ કરે છે. અત્યાર સુધી ત્રણ લોકડાઉન આવી ચૂક્યાં છે અને ચોથું લાઇનમાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તેમની રીતે નિર્ણય લઇ શકતા નથી અને લોકો પરેશાન થઇ રહ્યાં છે.
કેરાલાના મુખ્યમંત્રી કેન્દ્રના આદેશ માને છે પરંતુ ઘણી બાબતો તેઓ રાજ્યમાં નક્કી કરતાં હોય છે. દિલ્હીના મુખ્યમંત્રી પણ એવું કરે છે. બિન ભાજપી સરકારોના મુખ્યમંત્રીઓ ઉપરાંત ભાજપના મુખ્યમંત્રી છે તેવા કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ પોતોની કોઠાસૂઝથી લોકડાઉનનું પાલન કરે છે. લોકોને પરેશાની ઓછી થાય તેવી ટ્રીક તેઓ અપનાવી રહ્યાં છે પરંતુ ગુજરાત બઘાંથી અલગ છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ સમયે શું કરવું જોઇએ તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રને પૂછે છે. સીએમઓના એક અધિકારીએ કહ્યું કે વડાપ્રધાન સાથે આજે દેશના બઘાં મુખ્યમંત્રીઓની બેઠક છે ત્યારે ગુજરાતે તેનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકાર જે નક્કી કરે તે ગુજરાતે કરવાનું છે.
ગુજરાતના મુખ્યમંત્રી સ્વતંત્ર નિર્ણય લઇ શકતા નથી. તેઓ અધિકારીઓ પર અવલંબે છે. ભાજપના કેટલાક નેતાઓ રાજ્યના અધિકારીઓને દોષ આપી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રીને તેમના વહીવટી તંત્ર પર એવો ભરોસો છે કે અધિકારી કહે કે – દૂધ અને દવા સિવાયની દુકાનો તત્કાલ બંધ કરો—એટલે જિલ્લા કલેક્ટર બંધ કરે છે પરંતુ તે જાહેરાત પછી બજારમાં જે ભીડ થાય છે તે આ ઓફિસરોને દેખાતી નથી.
રાજ્યના એક પૂર્વ આઇએએસ ઓફિસરનું કહેવું કે લોકડાઉન સમાપ્ત કરીને સલામતી વિસ્તારોમાં ધીમે ધીમે દુકાનો અને ધંધા વ્યવસાય ખોલી નાંખવા જોઇએ પરંતુ તેમાં કેટલીક મહત્વની શરતો મૂકવામાં આવે તો લોકો સંક્રમણ સામે બચી શકશે. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ફરજીયાત માસ્ક એકમાત્ર ઉપાય છે. આ બન્ને વસ્તુ ફરજીયાત કરવાથી લોકોની સુખાકારી વધશે અને લોકો ખુદ ડિસ્ટન્સ રાખતાં થશે.
આ અધિકારી કહે છે કે ત્રણ ત્રણ લોકડાઉન પછી પણ જો આટલી મોટી સંખ્યામાં પોઝિટીવ કેસો વધતા હોય તો તેવા લોકડાઉનથી લોકોને ફાયદો નથી. તંત્રને ફાયદો નથી. વેપારીઓને નફાખોરી કરવાના રસ્તા મળી જાય છે. તેઓ સ્પષ્ટતા કરે છે કે હું એમ નથી કહેતો કે બઘું એક સામટું ખોલી દો. ધીમે ધીમે ઝોન પ્રમાણે દુકાનો ખોલવી જોઇએ. કન્ટેન્મેન્ટ ઝોન અને હોટસ્પોટ ઝોનમા વધારે તકેદારી રાખવાની જરૂર છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.