ગાંધીનગર – ગુજરાતમાં ત્રણ તબક્કાના લોકડાઉનની સારી અસર થઇ છે. મે મહિનામાં કેસો વધ્યાં છે પરંતુ હવે એવી સ્થિતિ આવી છે કે રાજ્યના 10 જિલ્લાઓમાં કેસોની સંખ્યા શૂન્ય થાય તેવી દિશામાં જિલ્લા કલેક્ટરોએ કામગીરી શરૂ કરી છે.
આરોગ્યના સૂત્રો જણાવે છે કે હાલ રાજ્યના 32 જિલ્લામાં કોરોના પોઝિટીવના કેસો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરાને બાદ કરતાં બીજા જિલ્લાઓમાં કેસોની સંખ્યા નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં કચ્છ, પોરબંદર, મોરબી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરેન્દ્રનગર, દ્વારકા અને જૂનાગઢમાં સિંગલ ડિજીટમાં કેસો છે જે આગામી સપ્તાહમાં શૂન્ય થઇ શકે છે.
બીજી તરફ આણંદ, ભરૂચ, પાટણ, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, બોટાદ, દાહોદ, ખેડા, જામનગર, સાબરકાંઠા. અરવલ્લી અને મહીસાગરમાં 31મી મે પહેલાં શૂન્ય કેસ થાય તેવી ધારણા છે. એટલે કે 14 જિલ્લામાં આ મહિનાના અંત સુધીમાં પોઝિટીવ કેસોની સંખ્યા શૂન્ય થઇ શકે છે.
ગુજરાતમાં મોટા શહેરોમાં કેસોની સંખ્યા નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગે સ્ટેટેજી બનાવી છે. આ શહેરો અને તેને સંલગ્ન જિલ્લાના ગામડાઓમાં 31મી મે સુધી લોકડાઉનની અસર જોવા મળી શકે છે. હવે લોકડાઉન સમગ્ર શહેર કે જિલ્લામાં નહીં હોય પરંતુ જ્યાં કન્ટેન્મેન્ટ ઝોન છે અથવા તો હોટસ્પોટ છે ત્યાં કડકાઇથી પાલન કરાવાશે. એટલે કે શહેરનો એક ભાગ લોકડાઉનમાં રહેશે અને બીજા ભાગમાં એટલે કે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં બઘી દુકાનો શરૂ થાય તેવા અણસાર છે.