ગાંધીનગર – ગુજરાતમાં કોરોના પોઝિટીવનો આંકડો 8000 કરતાં વધી ગયો છે ત્યારે સરકારે ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રના આદેશ પછી લક્ષણો નહીં ધરાવતા દર્દીઓને ડિસ્ચાર્જ આપવાનું શરૂ કરવામાં આવતા ડિસ્ચાર્જ રેટ વધીને 32.64 ટકા થયો છે. જો કે દર્દીએ ઘરે જઇને 7 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો રોકવા આવું પગલું લીધું છે તેવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે.
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું છે કે અત્યાર સુધીમાં 2545 જેટલા દર્દીઓ સારવાર લઇને સાજા થયા છે અને તેમને ઘરે મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 454 જેટલા દર્દીઓ સાજા થયા છે. સારી સારવાર અને ઉત્તમ આરોગ્ય સુવિધાઓને પરિણામે ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં ડિસ્ચાર્જ રેટ 15.58 ટકાથી વધીને 32.64 ટકા થઈ ગયો છે, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 30.75 ટકા કરતાં પણ વધારે છે.
જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે પંજાબનો ડિસ્ચાર્જ રેટ 9 % છે. પશ્ચિમ બંગાળનો 21%, તામિલનાડુનો 28%, ઓરિસ્સાનો 21%, મહારાષ્ટ્રનો 19%, ચંદીગઢનો 14 % અને દિલ્હી નો ડિસ્ચાર્જ રેટ 30.09 % રહ્યો છે. જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ 32.64 ટકાએ પહોંચ્યો છે. ગુજરાતમાં 19મી માર્ચે કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો તે પછી આરોગ્ય વિભાગે જે તીવ્ર ગતિએ કામગીરી આરંભી, મોટા પાયે ટેસ્ટ શરૂ કર્યા સર્વેલન્સ કર્યું તેથી સંક્રમિતોની સંખ્યા પર ધ્યાન આપીને સારવાર શરૂ થઈ શકી છે.
ચોવીસ કલાક દરમિયાનમાં માત્ર અમદાવાદમાં 266 જેટલા દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં 41 દર્દીઓ, સુરતમાં 33, ભાવનગરમાં 15, આણંદમાં 17, ગાંધીનગર માં 12, પંચમહાલમાં 18, તથા મહેસાણા જિલ્લામાં 12 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘેર ગયા છે. રવિવારે બનાસકાંઠામાં 8, અરવલ્લીમાં 6, મહિસાગરમાં 5, રાજકોટ,પાટણ અને ખેડા જિલ્લામાં ચાર-ચાર, બોટાદમાં 3, દાહોદ તથા જામનગર જિલ્લામાં બે અને કચ્છ તથા ડાંગમાંથી એક-એક દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે. આમ આજે રાજ્યમાં કુલ 454 દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે. જો કે ઘરે ગયેલા દર્દીઓને કહેવામાં આવ્યું છે કે તેમણે એક સપ્તાહ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે અને લક્ષણો જણાય તો હોસ્પિટલનો ફરીથી સંપર્ક કરવાનો રહેશે.