ગાંધીનગર—દેશના મોટા મોટા કોર્પોરેટ હાઉસના સીઇઓએ લોકોને તેમજ ઇનોવેટીવ આઇડિયા ધરાવતા યુવાનોને ખૂબજ સરસ સલાહ આપી છે. કોરોના સંક્રમણના કારણે લાખો લોકોની નોકરીઓ ગઇ છે. કંપનીઓએ રાતોરાત પાણીયું આપી દીધું છે અથવા તો પગાર આપ્યો નથી. મોટા પગારદારોના પગાર પણ કટ કરી નાંખ્યા છે. આ સંજોગોમાં ચિંતા છોડીને બિઝનેસ શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે.
જેમની પાસે સરકારી નોકરી છે તેમને કોઇ ટેન્શન નથી. જે લોકો પેન્શન મેળવે છે તેમના ઉપર પણ કોઇ આફત આવવાની નથી પરંતુ જે લોકો પ્રાઇવેટ નોકરીઓ કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે તેમના માથે આભ તૂટી પડવાનું છે.
ભારતીય કોર્પોરેટ જગતમાં કોરોના વાઇરસની ચર્ચામાંથી બહાર નીકળી અર્થતંત્રને શરૂ કરવાની અને રોજમદારોના હાથમાં નાણાં આપવાની માંગ વધી રહી છે. અગ્રણી કંપનીઓના સીઈઓએ જણાવ્યું છે કે, એક સમસ્યાના કારણે બીજી સમસ્યાને બિલકુલ નજરઅંદાજ કરી શકાય નહીં. દેશમાં હવે ફરી કામકાજ શરૂ થવું જોઈએ. રોજગારી શરૂ થવી જોઈએ અને અર્થતંત્રની રિકવરી માટે ઉદ્યોગોની કામગીરીનો પ્રારંભ થવો જોઈએ.
ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે, “કામદારોની સુરક્ષા સાથે અર્થતંત્ર શરૂ કરવું જોઈએ.” તેમણે કહ્યું હતું કે, “શ્રમિકોની સુરક્ષાનું ધ્યાન રાખો અને પૂરતી સાવચેતી સાથે કામ શરૂ કરો.” તેમણે અગાઉ જણાવ્યું હતું કે, ભારતીયોએ આગામી દોઢ વર્ષ સુધી કોરોનાની સાથે જીવતાં શીખવું પડશે.
એક્સિસ બેન્કના એમડી અને સીઇઓ અમિતાભ ચૌધરીએ જણાવ્યું હતું કે, “અર્થતંત્રના અમુક હિસ્સાને શરૂ કરવાથી કામ નહીં ચાલે. કારણ કે જુદાંજુદાં સેક્ટર્સ અને પ્રવૃત્તિઓ પરસ્પર સંકળાયેલાં છે. નહીંતર આગામી સમયમાં આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે. દેશ 7થી 10 સપ્તાહ બંધ રહ્યો હોય તો આપણે લોકડાઉન ખોલીએ ત્યારે સમગ્ર દેશને ખોલવા અંગે વિચાર કરવો જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “રેડ કે કન્ટેનમેન્ટ ઝોનને બંધ રાખવાની જરૂર હોય તો શહેરો કે જિલ્લાના કેટલાક ભાગોમાં કડક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જોકે, એકંદરે આપણે બિઝનેસ પ્રવૃત્તિ શરૂ કરવી પડશે.”
જાણકારોના મતે હવે ચર્ચાના કેન્દ્રસ્થાને વાઇરસ નહીં, અર્થતંત્રને રાખવું જરૂરી છે. જેમાં કૃષિ, મેન્યુફેક્ચરિંગ, સર્વિસિસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કોર્પોરેટ જગત વાઇરસનો સામનો કરવાનું શીખી લેશે. પારલે પ્રોડક્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અરૂપ ચૌહાણે જણાવ્યું હતું કે, “ભારતે ફરી કામ શરૂ કરવું જ પડશે. કોરોના સંકટમાં આપણે અન્ય દેશોનાં મોડલ્સને ‘કોપી પેસ્ટ’ કરવાનું ટાળવું જોઈએ.
ઉદ્યોગો ચાલુ રાખવામાં આવ્યા હોત તો કંપનીઓએ કર્મચારીઓની નોકરી, આરોગ્યનું ધ્યાન રાખ્યું હોત. ઉપરાંત, તેમને સુરક્ષાનાં પગલાં અંગે જાગૃત કર્યા હોત અને આપણે સ્થિતિ પર નિયંત્રણ મેળવી શક્યા હોત. નાગરિકોના આરોગ્ય સાથે અર્થતંત્રને પણ સમાન મહત્ત્વ આપવું જરૂરી છે.” એક સીઇઓએ યુવાનોને સાચી સલાહ આપતાં કહ્યું કે—ખાનગી નોકરી હોય તો ધીમે ધીમે તેમાંથી બહાર આવી સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવો જોઇએ કે જેથી આફતના સમયે પરિવારનું ગુજરાન ચાલી શકે.