ગાંધીનગર – ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થપાય તે માટે ગુજરાત સરકાર લિબરલ બની છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ઉદ્યોગો માટે પ્રોત્સાહક જાહેરાતો કરી છે. ખાસ કરીને ઔદ્યોગિક વસાહતો અને સેઝમાં 33,000 હેક્ટર જમીન પ્લગ એન્ડ પ્રોડ્યુસ સુવિધા સાથે જીઆઇએસ લેન્ડ બેન્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. નવા ઉદ્યોગને જમીન ફાળવણી સાત દિવસમાં અને અન્ય જરૂરી પરવાનગી 15 દિવસમાં અપાશે.
મુખ્યમંત્રીએ અન્ય દેશોના આવનારા ઉદ્યોગો માટે અલગ અલગ ડેસ્ક-નોડલ ઓફિસરની નિયુક્તિ કરી છે. નવા ઉદ્યોગો રાજ્યમાં ઉત્પાદન શરૂ કરે તેના 1200 દિવસ માટે તેમને મિનિમમ વેજીસ એક્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટિ એક્ટ, લેબર કોમ્પનસેશન એક્ટ સિવાયના શ્રમ કાયદામાંથી મુક્તિ અપાશે.
કોરોના વાયરસની સ્થિતિના પગલે જાપાન, કોરિયા, એશિયન દેશોની કંપનીઓ તેમજ અમેરિકા-યુરોપની કંપનીઓ-ઉત્પાદન એકમો ચાયનાથી અન્ય રાષ્ટ્રો-દેશો તરફ પોતાનો વેપાર-ઉત્પાદન કારોબાર લઇ જવા વિચારાધિન છે ત્યારે મુખ્યમંત્રીએ વિદેશી કંપનીઓ માટે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોમાં જમીન ઉપલબ્ધ કરાવવાની તૈયારી શરૂ કરી છે.
રાજ્યમાં 2019-20ના પ્રથમ ક્વાર્ટરમાં 24000 કરોડનું વિદેશી મૂડીરોકાણ ગુજરાતને મળેલું છે. એટલું જ નહિ, છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં સ્થપાયેલા 2574 મોટા ઉદ્યોગોમાંથી 734 ઉદ્યોગો ગુજરાતમાં છે. ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEMમાં દેશનો 51 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે.