કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા ત્રીજા તબક્કાના લૉકડાઉનમાં ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, સ્કૂલ-કૉલેજોને દેશના કોઈ પણ ઝોનમાં બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમ છતાં લૉકડાઉન દરમિયાન રાજકોટ જિલ્લાના પારડીમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખોલવામાં આવી હોવાની બાબત સામે આવી છે. આટલું ઓછુ હોય તેમ શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 100થી વધુ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે 17-મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. જેના કારણે સ્કૂલો અને કોલેજો સહિત અનેક ધંધા-રોજગારો ઠપ્પ છે, ત્યારે આવા સમયે રાજકોટ જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થયો હોવાની બાબત સામે આવી છે.
જો કે આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટ હરકતમાં આવ્યું હતું અને તમામ બાળકોને રજા આપી દીધી હતી. આ અંગે પૂછવામાં આવતા શાળાના સંચાલકોએ પેપર માટે બોલાવ્યા હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો.