ગાંધીનગર – રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓની કાળજી માટે શરૂ કરાયેલા ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ હાઇ રીસ્ક દર્દીઓ માટે ફાયદારૂપ સાબિત થયો છે.આ પ્રોગ્રામ શરૂ કરવાનો આરોગ્ય વિભાગનો નિર્ણય વેન્ટિલેટર કેર દર્દીઓ માટે નવી લાઇફલાઇન સમાન સાબિત થયો હોવાનો દાવો કરવામાં આવે છે.
મૃત્યુનું જોખમ જેને સૌથી વધુ છે એવા કોરોના પોઝિટિવ 24 બાળકો, 3 સગર્ભા અને 68 વૃદ્ધ દર્દીઓને સાજા કરવામાં મળી સફળતા મળી છે. રાજ્યભરમાં કાર્યરત કોવિડ હોસ્પિટલોમાં સેવારત તબીબોને વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી રાજ્યના એક્ષપર્ટ તબીબો દ્વારા ક્રિટિકલ દર્દીઓને સાજા કરવા લાઈવ માર્ગદર્શન આપવાના હેતુસર એક વિશેષ પ્રોજેકટ ચાલી રહ્યો છે.
બેક ઓફિસ ચાલી રહેલા આ ‘ટેલી મેંટરીંગ પ્રોગ્રામ’ દ્વારા અત્યાર સુધીમાં મૃત્યુનું જોખમ જેને સૌથી વધુ છે એવા કોરોના સંક્રમિત પોઝિટિવ દર્દીઓને સાજા કરવામાં આરોગ્ય વિભાગને વિશેષ સફળતા મળી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું છે.તેમણે કહ્યું કે કેટલાક કોમોર્બીડ અને હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ પોતાની અન્ય જટિલ બીમારીઓને કારણે ક્રિટિકલ સ્ટેજ પર આવી જતા હોય છે. આવા સંજોગોમાં આ દર્દીઓને કેવી રીતે બચાવવા તે તબીબો માટે પણ ક્યારેક મૂંઝવણભરી સ્થિતિ હોય છે.
તબીબોની આ મુંઝવણ દૂર કરવા માટે રાજ્યના એક્ષપર્ટ તબીબોની ટીમ દ્વારા આ હોસ્પિટલમાં કાર્યરત તબીબોને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવે છે. ચેપી રોગ નિષ્ણાંત ડો.અતુલ પટેલ, વેન્ટીલેટર કેરના નિષ્ણાંત ડો. પાર્થીવ મહેતા, ડો. આર. કે. પટેલ, ડો. બીપીન અમીન સહિતના અનુભવી તજજ્ઞ તબીબો દ્વારા દર્દીની સ્થિતિ વિશે જાણીને આવા ક્રિટિકલ દર્દીઓનું મૂલ્યાંકન કરી Webex Ciscoના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક યોજીને કોવીડ હોસ્પિટલોના તબીબોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ કારણોસર ‘ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ’ શરુ કરવાનો આરોગ્ય વિભાગનો નિર્ણય વેન્ટિલેટરકેર દર્દીઓ માટે નવી લાઇફલાઇન સમાન સાબિત થયો છે.આ પ્રોગ્રામ થકી અનેક ક્રિટીકલ દર્દીઓને સાજા કરવામાં સફળતા મળી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવી દ્વારા તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 613 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને સાજા થઈને ઘરે ગયા છે, તે પૈકી 24 બાળકો, 3 સગર્ભા અને 68 વૃદ્ધ દર્દીઓ મળી 95 હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સફળતા પાછળ કોવિડ હોસ્પિટલોમાં કાર્યરત કોરોના વોરિયર્સ નિષ્ણાંત તબીબો અને હોસ્પિટલ સ્ટાફની જીવના જોખમે કરવામાં આવતી મહેનત તો બિરદાવવા લાયક છે જ, પરંતુ તેની સાથોસાથ બેક ઓફિસ નિસ્વાર્થભાવે કામ કરતી આ ‘ટેલી મેંટરીંગ પ્રોગ્રામ’ની એક્ષપર્ટ તબીબોની ટીમની પણ એટલી જ મહેનત છે.
સાજા થઈને કોવિડ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા 7 વર્ષથી નાની વયના 24 દર્દીઓમાં અમદાવાદના 16, બનાસકાંઠા અને ભાવનગરના 2-2, છોટાઉદેપુર અને ગાંધીનગરના 1-1 તથા સુરતના 2 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા 60 વર્ષથી વધુ વયના વૃદ્ધ 68 દર્દીઓમાં અમદાવાદના 34, ભાવનગર અને પાટણના 2-2, ગાંધીનગર અને મહીસાગરના 3-3, સુરતના 7, આણંદના 4, વડોદરાના 8 અને છોટાઉદેપુર, કચ્છ, ગીર સોમનાથ, નર્મદા તથા રાજકોટના 1-1 દર્દીઓનો સમાવેશ થાય છે.
આ પ્રકારની ચર્ચામાં જીલ્લા કક્ષાની હોસ્પિટલો પણ ભાગ લઇ રહી છે. આ ચર્ચાથી આધુનિક માહિતી ઉપરાંત એક્ષપર્ટ તબીબોના અનુભવનો નિચોડ કોવિડ હોસ્પિટલમાં સેવારત તબીબોને પ્રાપ્ત થાય છે, જેનો વિશેષ લાભ તે હોસ્પિટલના દર્દીઓને મળી રહ્યો છે. દરરોજ આ બેઠકમાં લોગ ઇન ધ્વારા 60 થી 70 જેટલા તબીબો ભાગ લઇ રહ્યા છે અને હોસ્પિટલ કક્ષાએ એક લોગઇન ધ્વારા 5 થી 6 તબીબો ભાગ લઇ રહ્યા છે.
આ બેઠકનું નિયમિતપણે દરરોજ આયોજન કરવામાં આવે છે. આ ચર્ચામાં ભાગ લેવા માટે તબીબોએ હોસ્પિટલ છોડીને કયાંય જવું પડતું નથી. તેમના કાર્ય સ્થળ પર જ મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટર ધ્વારા લોગ ઇન થઇને તબીબો ભાગ લઇ રહ્યા છે. જેનાથી સમય અને શકિતનો બચાવ થાય છે અને સમયસર દર્દીઓની સારવાર કે કોઇ સુધારો કરવાનો હોય તો તે શકય બને છે.