ગાંધીનગર — ગુજરાતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓ માટેની ડેઝીગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓ તથા સ્ટાફના કપડા-ચાદર વગેરે સ્ટરિલાઇઝ કરવામાં આવે છે પરંતુ હવે કપડાંને જંતુમુક્ત કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.
કોરોના સંક્રમિત દર્દીઓના કપડા ફેંકી દેવા પડે અથવા તો તેનો બાળીને નિકાલ કરવો પડે છે. જો ફેંકી દેવામાં આવે તો તે જે જગ્યાએ જાય ત્યાં કોરોનાના સંક્રમણનું જોખમ ફેલાઇ શકે છે અને જો રોજેરોજ બાળી નાખવામાં આવે તો નવા કપડાંની સમસ્યા ઉભી થાય તેમ છે.
સમસ્યાના નિવારણ માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 6 કરોડના ખર્ચે કોરોનાના દર્દીઓના કપડા, ટોવેલ, બ્લેન્કેટ તથા મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના કપડા ધોવા માટે વોશીંગ તથા સ્ટરિલાઈઝેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ સુવિધા ઉભી કરવા માટે એક કરોડનું એક એવા ચાર સ્ટરિલાઈઝેશન મશીન લગાવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના ડો. અગ્રવાલ કહે છે કે, ‘આ મશીનમાં 121 ડિગ્રીના ઊંચા તાપમાને કપડાને 45 મિનિટ સુધી રાખવામાં આવે છે કે જેથી તેમાં વાયરસ કે વિષાણુ રહેતા નથી.
આ કપડાં ધોવા માટે અલગથી લોન્ડ્ર્રી એરિયા બનાવવામાં આવ્યો છે. જ્યાં વિષાણુ નાશક કેમિકલના સંયોજનવાળા પાણીથી કપડાં ધોવામાં આવે છે. આ ધોવાયેલા કપડાંને પછી આ મશીનમાં દાખલ કરવામાં આવે છે. એક મશીન એક વખતે 75 નંગ કપડાનો સમાવેશ કરી શકે તેવું છે. આવા મશીન દ્વારા 121 ડિગ્રી તાપમાનને ૪૫ મિનિટની એક એવી દરરોજ ૨૦ સાઇકલ ચલાવીને દરરોજ ૧૦૦૦ થી વધુ કપડાને સ્ટરિલાઈઝ્ડ કરવામાં આવે છે.
કોરોના સંક્રમિત દર્દીના કપડા, બેડશીટ, બ્લેન્કેટ કે મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના કપડા પર કોરોનાના જંતુ લાગેલા હોય અને જો આવા કપડાં સ્ટરિલાઈઝ્ડ કર્યા વગર પહેરાય તો જે પણ વ્યક્તિ તેને પહેરે કે તેને સ્પર્શે તેને ચેપ લાગી શકે છે. આ વ્યવસ્થાને કારણે સંક્રમણ લાગવાનું જોખમ બિલકુલ રહેતું નથી. વળી, દરરોજ નવા કપડા, બ્લેન્કેટના નવા ખર્ચમાંથી પણ બચી શકાય છે.
જ્યાં કપડાને સ્ટરિલાઈઝ્ડ કરવામાં આવે છે ત્યાં બહારનો કોઇ વ્યક્તિ ન જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને જે આ પ્રક્રિયામાં રોકાયેલા છે તે લોકો પણ તકેદારી માટે જંતુમુક્ત પોશાક અને સ્ટરિલાઈઝ્ડ થયા બાદ જ આ વિસ્તારમાં પ્રવેશ કરે છે. સામાન્ય રીતે વોર્ડમાં જે દિવસે ચાદર બદલવાની હોય છે તેના આગલા દિવસે કપડાં તથા ચાદર અને પિલો કવર નો સેટ આગલા દિવસે સાંજે જે તે વોર્ડમાં સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવે છે.