ગાંધીનગર– ગુજરાતમાં એવા કેટલાક લોકો છે કે જેઓ તેમની બચતમાંથી સરકારને કોરોના સામે લડવા માટે જીવનની મૂડી આપી રહ્યાં છે. આવા જ એક દાતા ધોળકા તાલુકામાં છે. 88 વર્ષના નિવૃત્ત શિક્ષિકા રંજનબહેન શાહે પેન્શનની કુલ બચાવેલી આવકમાંથી 111111 રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યાં છે.
ધોળકાના કલિકુંડ વિસ્તારમાં આવેલી આતિથ્ય સોસાયટીમાં રહેતા રંજનબેન શાહ કે જેઓ નિવૃત શિક્ષિકા છે અને 88 વર્ષની વય ધરાવે છે તેમણે તેમની પેન્શનમાંથી થતી જિંદગીની બચત કરેલી કુલ રકમમાંથી રૂપિયા 25000 ધોળકામાં ચાલતા ગરીબ કુટુંબ માટેના રસોડામાં અને રૂપિયા 1,11,111 મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ચેક અર્પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રંજન બહેને તેમની કુલ બચતમાંથી ફક્ત રૂપિયા 10,000 જે તેમના મૃત્યુ બાદ અંતિમ વિધિ માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે પોતાની પાસે રાખ્યા છે.
રંજનબેને આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશ સેવા માત્ર સરહદ પર જવાથી જ થાય તેવું નથી. ઘરમાંબેસીને પણ દેશની સેવા કરી શકાય છે. આજે સમગ્ર દેશ એક વિકટ પરિસ્થિતિમાંથી પસારથઈ રહ્યો છે ત્યારે શિક્ષિકા તરીકે મને સતત એવું થયા કરતું હતું કે મારે મારી શક્તિ મુજબકોઈ ને કોઈ રીતે દેશને મદદરૂપ થવું જોઈએ.
આ વિચારમાંથી જ મારા પેન્શન પેટે વાર્ષિક આવક અને તેની બચત છે તેમાં ની મોટાભાગની રકમ મેં મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવવા નક્કી કરતા આજે રૂપિયા 111111 નો ચેક શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અર્પણ કર્યો છે.