ગાંધીનગર ગુજરાતમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે લોકોની આવક બંધ છે ત્યારે કેન્દ્રના ઇન્કમટેક્સ વિભાગે દેશના વિવિધ રાજ્યોને વેરા ઉઘરાવવાનો ટારગેટ આપ્યો છે. કપરાં સમયમાં કોર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત આવકવેરા માટે વિભાગે તેમના અધિકારીઓને 13.19 કરોડ રૂપિયાનો ટારગેટ આપ્યો છે જે પૈકી એકલા ગુજરાતમાંથી 74000 કરોડ ઉઘરાવવામાં આવશે.
લોકડાઉનની સ્થિતિમાં વ્યક્તિગત ઇન્કમટેક્સ ભરતા કરદાતાઓના માથે આકરા કરવેરાનો બોજ ઝિંકાવાનો છે. ગંભીર વાયરસના સમયમાં લોકોને રાહત આપવાની જગ્યાએ એક તરફ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવા દેતી નથી ત્યારે બીજી તરફ આવકવેરાનું ઉઘરાણું કરવા ઇન્કમટેક્સના અધિકારીઓને ટારગેટ આપવામાં આવ્યા છે.
નાણાં વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્રના વિભાગે ગુજરાતમાંથી 31432 કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ અને 65237 કરોડ રૂપિયાનો વ્યક્તિગત ઇન્કમટેક્સ ઉઘરાવવાની યોજના બનાવી છે. સૌથી વધુ 4.07 લાખ કરોડનો ઇન્કમટેક્સ મુંબઇ ક્ષેત્રમાંથી ઉઘરાવવામાં આવશે. જો કે મુંબઇની હાલત કોરોના વાયરસના સંક્રમણના કારણે ખરાબ છે. લોકોને બે ટંક ભોજન મળતું નથી. લોકો નોકરીઓ ગુમાવે છે. લોકડાઉનમાં ઉદ્યોગ ધંધા બંધ હોવાથી મજૂરો, કારીગરો અને બિન સરકારી કર્મચારીઓની નોકરીઓના માથે જોખમ સર્જાયેલું છે. ગરીબી અને ભૂખમરા જેવી સ્થિતિ આવી રહી છે.
ઇન્કમટેક્સ વિભાગ 2019-20માં વ્યક્તિગત કરવેરામાંથી 55 હજાર કરોડથી વધુ રકમનો ટેક્સ મેળવશે પરંતુ નવા વર્ષ 2020-21નો ટારગેટ 65000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. ગયા વર્ષે ગુજરાતમાંથી ઇન્કમટેક્સ વિભાગને 45000 કરોડ કરતાં વધુ રકમ મળી હતી. આ વર્ષે 15 ટકા જેટલો ઉંચો ઇન્કમટેક્સ ઉઘરાવવામાં આવનાર છે. એ ઉપરાંત વિભાગે ઇન્કમટેક્સની ચોરી કરતા તત્વો સામે નજર રાખીને તેમને નોટીસો આપવાની કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યાં છે.
વ્યક્તિગત ઇન્કમટેક્સ રિટર્ન ભરતાં કરદાતાઓ માટે સરકારે સ્પેશ્યલ કેસમાં ઇન્કમટેક્સમાં કેટલીક રાહતો આપવી જોઇએ તેવું રાજ્યનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિયેશન માને છે. સચિવાલયના કર્મચારીઓ પણ એવી માગણી કરી રહ્યાં છે કે કેન્દ્રએ ઇન્કમટેક્સમાં આ વખતે રાહત આપવી જોઇએ. લોકડાઉનની સૌથી ખરાબ અસર મધ્યમવર્ગના પરિવારોને થઇ છે.
જો આ સ્થિતિ હજી વધુ લંબાશે તો સપાટી પર રહેલો મધ્યમવર્ગ ગરીબ પરિવારમાં ફેરવાઇ જતાં વાર નહીં લાગે. ઘરનું ઘર બનાવવામાં લોન લેનારા આ વર્ગના પરિવારોની હાલત કફોડી છે. બિન સરકારી કર્મચારીઓ અને કારીગરોને લોન ભરવાના ફાંફા છે અને ભારતીય રીઝર્વ બેન્કના અધકચરા નિર્ણયને કારણે તેઓ વધારે પરેશાની ભોગવી રહ્યાં છે.
લોનઘારકો પાસેથી બેન્કો ત્રણ મહિના માટે હપ્તા ઉઘરાવી શકશે નહીં તેવી રીઝર્વ બેન્કે જાહેરાત તો કરી છે પરંતુ આ ત્રણ વર્ષનું વ્યાજ પ્રત્યેક લોનધારકે ભરવાનું રહેતું હોવાથી આ છૂટછાટનો લાભ બહું ઓછા લોકોએ લીધો છે. હવે ઇન્કમટેક્સ વિભાગ વ્યક્તિગત અને કોર્પોરેટ કરદાતાઓ પાસેથી રૂપિયા ખંખેરવા મેદાને પડ્યું છે.