ગાંધીનગર – ગુજરાતના સચિવાલયમાં આંશિક રીતે સરકારી વિભાગોની કચેરીઓ શરૂ કરવામાં આવી છે પરંતુ 33 ટકા સ્ટાફથી ચલાવવામાં આવે છે. બાકીના સ્ટાફને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે. સચિવાલયમાં પોઇન્ટની બસો બંધ છે. અમદાવાદમાં રહેતા કર્મચારીઓ સચિવાલય આવી શકતા નથી.
દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરીમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી રાજ્યના વધુ આઠ આઇએએસ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે.
રૂપાણીએ રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પીકે પરમાર, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પંચાયતના અધિક મુખ્ય સચિવ એકે રાકેશ, શિક્ષણ સચિવ વિનોદ રાવ, આર્થિક બાબતોના સચિવ મિલિન્દ તોરવણે, મહિલા બાળ કલ્યાણ સચિવ મનીષા ચંદ્રા, પ્રવાસન નિગમના એમ ડી જેનું દેવન અને આદિજાતિ વિકાસ કમિશનર દિલીપ રાણાને જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન સાથે બેઠક યોજીને આ જવાબદારીઓ સોંપવા અંગે ચર્ચા વિચારણા કરીને આદેશો કરવાની સૂચનાઓ આપી હતી. આ અગાઉ પણ 12થી વધુ ઓફિસરોને કોરોના રિલેટેડ વિવિધ જવાબદારી સોંપવામાં આવેલી છે.