ગાંધીનગર.કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોને સૂચના આપી છે કે તેઓ લંબાવાયેલા લોકડાઉનનો ઉપયોગ હોટસ્પોટ (રેડ ઝોન)ને મહદ્ અંશે ઓરેન્જ ઝોનમાં અને પછી ગ્રીન ઝોનમાં રૂપાંતરિત કરવા માટે કરે. કેન્દ્રએ ગુજરાતના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
કેન્દ્રએ જણાવ્યું છે કે રેડ ‘હોટસ્પોટ’ જિલ્લામાં આગામી 14 દિવસ સુધી કોઈ નવો કેસ નહીં થાય તો તેને ઓરેન્જ ઝોન ગણવામાં આવશે અને તેના પછી તેને ગ્રીન ઝોન તરફ લઈ જવા પ્રયાસ કરાશે. આ જ રીતે 28 દિવસ સુધી કોઈ કેસ ન નોંધાય તો રોગચાળાને સફળ રીતે ડામી દેવાયો કહેવાશે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને ગુજરાતના મુખ્ય સચિવને જણાવ્યું છે કે કેસના રિપોર્ટના આધારે જિલ્લાને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે જેમાં હોટસ્પોટ જિલ્લા, નોન-હોટસ્પોટ જિલ્લા અને કોઈ પણ પોઝિટિવ કેસ વગરના જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અત્યારે મોટા પ્રમાણમાં પોઝિટીવ કેસો રિપોર્ટીંગ નોંધાવનારા કુલ પાંચ જિલ્લા છે.
હોટસ્પોટ જિલ્લામાં ‘રોગચાળો ડામવાનાં આકરાં પગલાં’ લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્રએ ગુજરાતના ચીફ સેક્રેટરીને જણાવ્યું છે કે તે ‘કન્ફર્મ્ડ કેસને બમણા કરવાના દર’ના આધારે હોટસ્પોટ ઓળખી કાઢે અને હોટસ્પોટને ઓળખી કાઢવાની કવાયત સાપ્તાહિક ધોરણે (દર સોમવારે) અથવા તેનાથી વહેલા કરવી. નોન-હોટસ્પોટ ડિસ્ટ્રિક્ટ રિપોર્ટિંગ કેસમાં રાજ્યોએ રોગચાળો ડામવાનાં પગલાં લેવાયાં છે તે જોવાની સાથે જે તે વિસ્તારના કેસની સંખ્યા પણ ઘટાડી શકાઇ છે તે સુનિશ્ચિત કરવું પડશે.
જે જિલ્લામાં કોઈ કન્ફર્મ્ડ કેસ ન હોય ત્યાં ગુજરાતે “ઇફેક્ટિવ સર્વેલન્સ ઓફ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન (SARI) અને ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ (ILI) કેસ’ પર કામ કરવાનું રહેશે અને સાથે સાથે ખાસ કોવિડ હોસ્પિટલો તૈયાર રાખવી પડશે.