ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી સ્વસ્થ છે અને નોર્મલ છે. ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો છે કે તેઓના તમામ પેરામિટર્સ નોર્મલ છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા પછી ડોક્ટરોએ તેમના હેલ્થનું ચેકઅપ કર્યું છે
અમદાવાદમાં કરફ્યુ નાંખવામાં આવ્યો તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યોને પણ તેમના બંગલે મળવા માટે બોલાવ્યા હતા. એ સમયે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમને શરદીની અસર હોવાથી તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થવાની જગ્યાએ મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ગઇકાલે સાંજે જણાવ્યું હતું કે ઇમરાન ખેડાવાલા મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને મળ્યા હતા તેથી મુખ્યમંત્રીનું તબીબી પરિક્ષણ કરાશે. જે પ્રમાણે આજે ગુજરાતના અગ્રણી તબીબ ડો. આરકે પટેલ અને અતુલ પટેલ દ્વારા મુખ્યમંત્રીનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. ડોક્ટરોએ કહ્યું હતું કે મુખ્યમંત્રી સ્વસ્થ છે. તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. ગઇકાલની ઘટના પછી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે તેમ મુખ્ય મંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે