ગાંધીનગર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના આદેશ પછી ગુજરાત સરકારે પણ તેના તમામ અભ્યારણ્યોમાં જંગલી પ્રાણીઓની સુરક્ષા માટે હાઇએલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને સાસણ ગીરના સિંહોની સુરક્ષા વધારવામાં આવી છે. એનિમલ તબીબી સ્ટાફને સિંહોની હિલચાલ પર નજર રાખવા કહેવામાં આવ્યું છે. રાજ્યના વન વિભાગે અભ્યારણ્યો ઉપરાંત પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ પર તકેદારી રાખવા પણ કહ્યું છે.
અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા અભ્યારણ્યમાં વાઘનું તબીબી પરીક્ષણ કરતાં તેને કોરોના વાયરસનું સંક્રમણ થયું હોવાનું સામે આવ્યું છે. આવી કોઇ ઘટના સાસણ ગીરના સિંહોમાં બને નહીં તે માટે સાસણ ગીર અભ્યારણ્યના તમામ સ્ટાફ તેમજ મેડીકલ સ્ટાફને એલર્ટ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટના સચિવ એસપી યાદવે કહ્યું છે કે અમેરિકાના કૃષિ વિભાગની રાષ્ટ્રીય પશુ ચિકિત્સા સેવા પ્રયોગશાળાએ ન્યૂયોર્ક સ્થિત બ્રોક્સ પ્રાણી સંગ્રહાલતમાં એક વાઘને કોરોના પોઝિટીવની પુષ્ટી કરી છે.
રાજ્ય વન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતના તમામ પ્રાણી સંગ્રહાલયો તેમજ અભ્યારણ્યોમાં તકેદારીના પગલાં લેવાની સૂચના આપ્યા પછી ગુજરાત સરકારના વન વિભાગે પણ તકેદારી રાખવા જંગલ ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને આદેશ કર્યો છે. સાસણ ગીરમાં 24 કલાક સુધી સિંહોની ગતિવિધિ પર નજર રાખવા પણ કહેવામાં આવ્યું છે. આ અભ્યારણ્યમાં આજે વધુ છ નાના સિંહબાળનો જન્મ થયો છે.
અભ્યારણ્ય કે પ્રાણી સંગ્રહાલયમાં બિમાર પડેલા પ્રાણીઓના નમૂના એકત્ર કરીને લેબ પરીક્ષણ માટે લઇ જવા માટે પણ કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં બાલારામમાં રીંછ અભ્યારણ્ય આવેલું છે. બનાસકાંઠામાં જેસોર, સુરેન્દ્રનગરમાં ઘુડખર, કચ્છમાં ચિંકારા, સાસણ ગીરમાં સિંહ, પોરબંદરમાં બરડા, જામનગરમાં ગાગા, દાહોદમાં રતનમહાલ, જૂનાગઢ અને અમદાવાદમાં પ્રાણી સંગ્રહાલય, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જંગલ સફારી, અમરેલીમાં મિતિયાલા, વેરાવળમાં કાળિયાર સહિત કુલ 22 અભ્યારણ્યો આવેલા છે જેમાં જંગલી પ્રાણીઓનો વસવાટ છે. આ તમામ જગ્યાએ હાઇએલર્ટ આપવામાં આવ્યું છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ ગુજરાતને પણ કહ્યું છે કે બિમાર તેમજ શંકાસ્પદ પ્રાણીઓના નમૂના ભોપાલની રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા, હરિયાણાના હિસારમાં રાષ્ટ્રીય અનુસંધાન કેન્દ્ર અને બરેલીમાં ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાને મોકલવાના રહેશે. આ સાથે એવી પણ સૂચના આપવામાં આવી છે કે બિમાર પશુઓને અલગ કરીને તેમના માટે અલગ રહેઠાણની વ્યવસ્થા કરવાની રહેશે.