ગાંધીનગર- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વાયરસ સંદર્ભે ચાલી રહેલા લોકડાઉનમાં બે મહત્વના નિર્ણય લીધા છે. એક નિર્ણય એવો છે કે સિંગતેલ અને કપાસિયા તેલના વધતા ભાવ અને અછત દૂર કરવા ઓઇલ મીલો ચાલુ રાખવાનો છે, જ્યારે પોલીસની જેમ સફાઇ, મહેસૂલી તેમજ પુરવઠા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે પણ 25 લાખ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે.
કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિમાં જામ અને આરોગ્યને જોખમમાં મૂકીને ફરજ બજાવતા પોલીસના સેવા અધિકારીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ એવો નિર્ણય લીધો હતો કે ફરજ દરમ્યાન પોલીસ કર્મચારીનું અવસાન થાય તો પરિવારને 25 લાખ રૂપિયાની સહાય અપાશે. હવે આવી સહાય તેમણે રાજ્યની પાલિકા કે મહાનગરપાલિકાના સફાઇ કર્મચારીઓ માટે જાહેર કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું છે કે શહેરી વિસ્તારમાં સફાઇનું કામ કરતા કર્મચારીઓ પૈકી કોઇનું ફરજ દરમ્યાન અવસાન થાય તો તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય કરાશે. એ ઉપરાંત મહેસૂલી કર્મચારીઓ માટે પણ આવો નિર્ણય લીધો છે. તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય અપાશે.
બીજીતરફ હાલની લોક ડાઉનની સ્થિતીમાં અનાજ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા અને વિતરણ ની કામગીરી બજાવતા અન્ન નાગરિક પુરવઠા વિભાગના કર્મચારીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકોનું મૃત્યુ કોરોના વાયરસના સંક્રમણથી થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રૂપાણી એ પ્રવર્તમાન કોરોનાને કારણે સર્જાયેલી લોક ડાઉનની સ્થિતીમાં અને ત્યારબાદ રાજ્યમાં ખાદ્ય તેલની અછત ઊભી ન થાય તે હેતુસર લોક ડાઉનના સમય દરમ્યાન પણ કપાસ જીનિંગ અને ઓઇલ મિલને ચાલુ રાખવા દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે કપાસની જીનિંગ પ્રોસેસ માટે જીનિંગ મિલ્સ પિલાણ તેમજ પેકિંગ માટે કપાસ ઓઇલ મિલ્સ અને આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલી કામગીરી એટલેકે ખેડૂતો વેપારીઓ દ્વારા કપાસ જીનિંગ મિલ સુધી લઈ જવા અને મિલમાંથી કપાસિયા ઓઇલ મિલ્સ સુધી લઈ જવામાં પરિવહન અને આ પ્રક્રિયામાં જોડાયેલી અન્ય કામગીરી કરી શકાશે.
આ હેતુસર અવર જવર માટે સ્થાનિક તંત્ર મારફત મંજૂરી લેવાની તેમજ આખી પ્રક્રિયામાં સોશીયલ ડિસ્ટન્સ હાઇજીન સેની ટાઇઝેશન વગેરેની પૂરતી કાળજી લેવાની પણ સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે