ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વ્યક્તિઓ પૈકી કુલ 108 વ્યક્તિના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આજે દિવસ દરમ્યાન વધુ ત્રણ કેસો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે વિવિધ હોસ્પિટલોમાં 2276 વ્યક્તિઓના ટેસ્ટ કર્યા હતા જે પૈકી 2159 ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. જ્યંતિ રવિએ કહ્યું હતું કે કોરોના વાયરસમાં હવે લોકલ ટ્રાન્સમિશનના આંકડા વધી રહ્યાં છે.
ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા તેમજ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગરમ પાણી અને ગોલ્ડન મિલ્ક (ગરમ પાણીમાં હળદર નાંખીને) પીવું જોઇએ. તેમણે આજે કોરોના કેસોની અપડેટ્સ આપી હતી. તેમણે કહ્યું હતું કે દિવસ દરમ્યાન કોરોના વાયરસના વધુ ત્રણ કેસો સામે આવ્યા છે.
તેમણે કહ્યું કે અમદાવાદમાં 25 વર્ષના યુવક અને 26 વર્ષની મહિલાને તેમજ સુરતમાં 61 વર્ષની મહિલાને કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. આ સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 108 થઇ છે. રાજ્યમાં હાલ 14520 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇનમાં છે. કોરોના પોઝિટીવ પછી સારવાર દરમ્યાન અત્યાર સુધીમાં 14 દર્દીઓ સાજા થયા છે અને તેઓ તેમના ઘરે ગયા છે.
જ્યંતિ રવિએ કહ્યું કે 104 હેલ્પલાઇન પર કોરોના રિલેટેડ 33017 કોલ આવ્યા છે અને 570 વ્યક્તિને સારવાર આપવામાં આવી છે. રાજ્યમાં હાલ વેન્ટીલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 4300 થી વધુ બેડ સરકારી હોસ્પિટલોમાં તેમજ 1000થી વધુ ખાનગી હોસ્પિટલોમાં છે.