ગાંધીનગર—કોરોના વાયરસની મહામારીના સમયમાં જેટલા દિવસ ઉદ્યોગ-ધંધા બંધ રહ્યાં છે અથવા તો લોકડાઉનમાં કોઇ ઓફિસ આવી શક્યા નથી તેવા તમામ કર્મચારીઓને પુરતો પગાર આપવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે અને કહ્યું છે કે ઉદ્યોગો, ફેક્ટરી, નાના-મોટા એકમો અને રજીસ્ટર્ડ કોન્ટ્રાક્ટ્રસ પોતાના કર્મચારીઓને લોકડાઉનના સમયમાં ટર્મિનેટ નહીં કરી શકે અને તેમને પુરતો પગાર આપવો પડશે. તેઓ વેતન પણ કાપી નહીં શકે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે લોકડાઉનના સમયગાળા દરમ્યાન રાજ્યના ગ્રામીણ ક્ષેત્રના નાના દૂધ ઉત્પાદકો, પશુપાલકો તેમજ ખાનગી ઉદ્યોગ ધંધા કે વ્યવસાયમાં કામ કરતા કર્મચારીઓને આર્થિક આધાર મળે તે માટે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.
રાજ્યના નાના પશુપાલકો-દૂધ ઉત્પાદકોને આર્થિક નુકશાનથી રાહત આપવા તેમના વિશાળ હિતમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, આવા નાના દૂધ ઉત્પાદકો જો કોઇ દૂધ મંડળીના સભાસદ ન હોય તો પણ હાલની સ્થિતીમાં તેઓ પોતાનું દુધ પ્રાથમિક દૂધ સહકારી મંડળીમાં ભરાવી શકશે. એ સાથે પ્રાથમિક દૂધ સહકારી મંડળીઓ દ્વારા સ્વીકારવામાં આવેલું આવું બિનસભાસદ પશુપાલકોનું દૂધ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો અને ફેડરેશનને સ્વીકારવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
લોકડાઉનની આ સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-વ્યવસાય રોજગારને અસર પહોચી છે તેવા સંજોગોમાં મુખ્યમંત્રીએ આવા ખાનગી ક્ષેત્રમાં કામ કરતાં કામદારો, કર્મચારીઓને તેમના ઊદ્યોગ એકમો, ફેકટરીઝ, દુકાનધારકો કે રજીસ્ટર્ડ કોન્ટ્રાકટરો લોકડાઉન દરમિયાન ટર્મિનેટ નહિ કરી શકે તેવી સ્પષ્ટ સુચનાઓ આપી છે. આવા ક્ષેત્રના કર્મચારીઓનો લોકડાઉનના સમય દરમિયાનનો પગાર-વેતન પણ કાપવામાં ન આવે તેવા દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યાં છે.
અસંગઠિત ક્ષેત્રના કામદારો, મજુરો-શ્રમિકોને પણ તેમના માલિક-ઊદ્યોગ-વેપાર-સંચાલકો લોકડાઉન સમય દરમિયાન છૂટા નહિ કરી શકે તેમજ વેતન પણ કાપી ન શકે તેવું સુનિશ્ચિત કરવાની તાકીદ મુખ્યમંત્રીએ સંબંધિત કલેકટરોને કરી છે.
નિરાધાર, દિવ્યાંગ, ગંગાસ્વરૂપા માતા-બહેનો તથા રાજ્ય સરકારની સમાજકલ્યાણ યોજનાઓ અંતર્ગત માસિક પેન્શન મેળવતા લાભાર્થીઓને લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં આર્થિક સંકડામણ ન ભોગવવી પડે તે માટે મુખ્યમંત્રીએ આવા લાભાર્થીઓને એપ્રિલ માસનું માસિક પેન્શન એડવાન્સમાં આપવા અગાઉ જાહેરાત કરેલી હતી. રાજ્યમાં આવા 13.66 લાખ લાભાર્થીઓના બેન્ક ખાતામાં એપ્રિલ માસના પેન્શનની કુલ 221 કરોડની રકમ ડાયરેકટ બેનીફિશીયરી ટ્રાન્સફર-ડી.બી.ટી.થી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવી છે.
અશ્વિનીકુમારે જણાવ્યું કે, રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ મેળવતા 66 લાખ પરિવારોના અંદાજે 3.25 કરોડ એટલે કે રાજ્યના અંદાજે 50 ટકા લોકોને અનાજ મળે છે. આમ છતાં એવા કોઇ છૂટાછવાયા લાભાર્થીઓ બાકી રહી ગયા હોય અને સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક કરશે તો તેમને પણ અન્નબ્રહ્મ યોજનાનો લાભ પ્રવર્તમાન પરિસ્થિતીમાં અપાશે. આ લાભાર્થીઓની યાદી જિલ્લા કલેકટરતંત્ર એ પુરવઠા તંત્ર સાથે સંકલનમાં રહીને તૈયાર કરી છે અને કલેકટર તંત્ર દ્વારા આવા લોકોને જરૂરી અનાજ પુરવઠો પુરો પાડવામાં આવનાર છે.