ગાંધીનગર- રાજ્યના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવાની મુદ્દત 31મી મે કરી છે. ખેડૂતોને આ વધારાના સમય માટે કેન્દ્ર સરકાર 3 ટકા તેમજ રાજ્ય સરકાર 4 ટકા વ્યાજ રાહત આપશે. ગુજરાતના 24 લાખથી વધુ ખેડૂતો વતી 160 કરોડનું રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર ભોગવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ હાલ બંધ છે તેથી ખેડૂતો રોકડ રકમના અભાવના કારણે બેંકમાંથી લીધેલ ધિરાણ પરત ભરી શકતા નથી. અને બેંકો દ્વારા ખેડૂતોને નોટીસ મળે છે. તેને મદદરૂપ થવા માટે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો દ્વારા જે ટુંકી મુદ્દતનું ધિરાણ લીધુ હતુ તે ભરપાઇ કરવાની મુદ્દત 31મી માર્ચ હતી તે લંબાવીને હવે 31મી મે કરવામાં આવી છે.
રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા ખેડૂત અગ્રણીઓ, કિસાન સંઘ તેમજ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. આ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજૂરી મળતાં આજે રાજ્ય સરકારે આ મુદ્દતને બે માસ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરરસી મહામારીને પરિણામે ઉદ્યોગ-ધંધા-વેપાર અને માર્કેટ યાર્ડો બંધ છે. ખેડૂતો પોતાનો પાક વેચી શકતા નથી ત્યારે રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો પાસેથી જે ટુંકી મુદ્દતનું ધિરાણ લીધુ હતું તે 31મી માર્ચ સુધી ભરપાઇ કરે તો જ ફરીથી એ જ મંડળીઓ પુન: ધીરાણ આપતી હોય છે. ખેડૂતોને રાબેતામુજબ ધિરાણ મળી રહે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.
રાજ્યના ખેડૂતોને સાત ટકાના દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય તે માટે ભારત સરકાર ત્રણ ટકા અને રાજ્ય સરકાર ચાર ટકા વ્યાજ રાહતની રકમ સહકારી ધિરાણ માળખામાં આપે છે. કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં હાલની લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો સમયસર પાક ધિરાણની રકમ ભરપાઇ ન કરી શકે તે સ્વાભાવિક છે. એટલું જ નહિ, આ વધારાના સમય માટે પણ ખેડૂતોને અપાતી ૭ ટકા વ્યાજ રાહત યથાવત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત સરકારની જેમ જ ગુજરાત સરકાર પણ ખેડૂતોને આ વધારાના સમય માટે ચાર ટકા વ્યાજ રાહત આપશે. રાજ્યના 2421149 જેટલા ખેડૂતોને વ્યાજ રાહતનો લાભ મળશે અને રાજ્ય સરકાર આ વ્યાજ રાહતની વધારાની સમયમર્યાદાના 160 કરોડનો વધુ બોજ વહન કરશે.