ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કેસો અન્ય રાજ્યો જેવાં કે મહારાષ્ટ્ર અને કેરાલા રાજ્યની સરખામણીએ ઓછા છે પરંતુ મૃત્યુદર ગુજરાતમાં ઉંચો આવ્યો છે. આમ થવાનું કારણ સારવારમાં કંઇ ખામી છે કે કેમ તે સમજાતું નથી.
ગુજરાતમાં 24 કલાકમાં નવા છ પોઝિટીવ કેસો સાથે કોરોના વાયરસનો સંક્રમિત આંકડો 69 થયો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 23 કેસો નોંધાયા છે પરંતુ હવે ભાવનગરની હાલત કથળતી જાય છે. ભાવનગરમાં મૃત્યુઆંક બે થયો છે અને કેસોની સંખ્યા પણ વધતી જાય છે.
બીજી તરફ ગાંધીનગર, વડોદરા, સુરત, સોમનાથ, કચ્છ અને મહેસાણામાં પોઝિટીવનો આંકડો સ્થિર જોવા મળ્યો છે. રાજ્યમાં કુલ છ વ્યક્તિના મોત થયાં છે, જે પૈકી અમદાવાદમાં ત્રણ, ભાવનગરમાં બે અને સુરતમાં એક મોત છે. સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત એવું રાજ્ય બન્યું છે કે જ્યાં મૃત્યુઆક વધ્યો છે. બીજા રાજ્યોમાં ગુજરાત કરતાં ઓછો મૃત્યુદર છે. મહારાષ્ટ્ર અને કેરાલા રાજ્ય એવું છે જ્યાં પોઝિટીવ કેસોની સંખ્યા 200ની આસપાસ છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું હતું કે વધુ મોતના કારણોમાં દર્દીઓમાં પહેલાથી બિમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર અને વૃદ્ધત્વ જોવા મળ્યું છે. કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ કે જેને બીજી કોઇ બિમારી નથી તેઓ સાજા થઇ રહ્યાં છે.
જ્યંતિ રવિએ કહ્યું કે અમે પાંચ જિલ્લાઓને હોટસ્પોટના રૂપમાં ચિન્હિત કર્યાં છે જ્યાં સ્ટેટેજી કલસ્ટર કન્ટેન્ટ રણનીતિ લાગુ કરવા જઇ રહ્યાં છીએ. આ જિલ્લાઓમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર છે. આ શહેરોમાં પ્રત્યેક ઘરમાં સર્વેક્ષણ થશે. પાંચ કિલોમીટરના બફર ઝોનની સાથે આ કેસોની આસપાલ ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં ચિન્હીત કરાશે. આ ક્ષેત્રોમાં ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ લાગુ કરાશે. મૃત્યુઆંક વધતાં ગુજરાત સરકારે હવે ગામડાઓમાં પણ તાળાબંધીને સખ્તાઇથી લાગુ કરવાનું શરૂ કર્યું છે.
બીજી તરફ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું હતું કે અમે લોકોને ઘરમાં બંધ રહેવાની સલાહ આપી રહ્યાં છીએ કે જેથી કોરોનાના પોઝિટીવ કેસો સામે ન આવે. વિદેશની આવેલા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને અમે હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે. તેમની પર પોલીસની વોચ ગોઠવવામાં આવી છે.
જ્યંતિ રવિએ કહ્યું હતું કે રાજ્યના જિલ્લાઓમાં મળીને કુલ 5500 બેડની હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે જેમાંથી અમદાવાદમાં 1200, સુરતમાં 500, રાજકોટમાં 250 અને વડોદરામાં 250ની હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં ખાનગી સંસ્થાઓના 1761 મળીને કુલ 2761 વેન્ટીલેટર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20,000 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે.