આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ ગઇ છે. ઇતિહાસમાં પહેલીવાર દેશમાં જમ્મૂના વૈષ્ણોદેવીથી મદુરાઈના મીનાક્ષી મંદિર સુધી બધા જ માતાના મંદિર નવરાત્રિમાં ભક્તો માટે બંધ રહેશે. મંદિરમાં નવરાત્રિની બધી વિધિઓ અને પૂજન તો થશે, પરંતુ તેમના દર્શન કરવા માટે કોઇ હશે નહીં. કોરોનાવાઇરસના કારણે દેશના બધા મંદિર આ સમયે સામાન્ય લોકો માટે બંધ છે, માત્ર પૂજારીઓને જ મંદિરમાં પ્રવેશ છે. ચૈત્ર નવરાત્રિમાં લોકો મંદિરે જઇ શકશે નહીં કે મંદિરના કોઇ આયોજનમાં ભાગ લઇ શકશે નહીં. મોટાભાગના મંદિરોમાં ભક્તો માટે યૂ-ટ્યૂબ ચેનલ અને મંદિરની વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન ટ્રસ્ટે પણ 9 દિવસ રામ જન્મ અને લગ્ન ઉત્સવને રદ્દ કરી દીધો છે. દેશમાં રામનવમીના ઉત્સવ પર પણ અસર થશે.
ભારતમાં નવરાત્રિ એક મોટો ઉત્સવ છે. નવરાત્રિના છેલ્લાં દિવસે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમના દિવસે રામ જન્મ અને પૂર્ણિમાએ હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ભારતમાં દેવીના 51 શક્તિપીઠમાંથી 38 ભારતમાં છે, 6 બાંગ્લાદેશ, 3 નેપાળ, 2 પાકિસ્તાન, 1 તિબેટ અને 1 શ્રીલંકામાં ઉપસ્થિત છે. આ વખતે પહેલીવાર એવું થઇ રહ્યું છે, જ્યારે લગભગ બધા જ 51 શક્તિપીઠવાળા દેશ એક જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને લગભગ કોઇપણ મંદિરમાં ભક્તો માટે પ્રવેશની અનુમતિ નથી.