અમદાવાદ તા. ૨૩ : એક વર્ષ એકસપાયર થયેલા ડ્રાઇવિંગ લાયસન્સને આરટીઓમાં રિન્યૂ કરવાની લેટ ફી રૂ. ૫૦થી વધીને રૂ. ૧,૦૦૦ થઇ છે. તેવી રીતે ૨ વર્ષની રૂ. ૨ હજાર, રૂ. ૩ વર્ષની ૩ હજાર, ૪ વર્ષની રૂ. ૪ હજાર અને ૫ વર્ષની રૂ. ૫ હજાર લેટ ફી ભરવી પડશે. જંગી દંડ ઉપરાંત રિન્યૂઅલ ફી રૂ. ૩૦૦ અને સ્માર્ટ કાર્ડના રૂ. ૨૦૦ પણ ભરવા પડશે.
સામાન્ય રીતે ડ્રાઇવિંગ લાયસન્સને તેની એકસપાયરી તારીખના પાંચ વર્ષની અંદર રિન્યૂ કરી શકાય છે. પાંચ વર્ષ ઉપર એકસપાયર થયેલા લાયસન્સને રિન્યૂ કરવામાં આવતું નથી. પહેલા એકસપાયર થયેલા લાયસન્સને નજીવો દંડ ભરીને રિન્યૂ કરી શકાતું હતું, પરંતુ હવે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના પરિપત્ર મુજબ ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનના લાયસન્સને રિન્યૂ કરવા આગામી દિવસોમાં જંગી દંડ ભરવો પડશે.
એક વર્ષ એકસપાયર લાયસન્સ પાછળ દોઢ હજાર ખર્ચ
એક વર્ષ જુનુ એકસપાયર લાયસન્સ રિન્યુ કરવા માટે હાલમાં રૂ. ૨૦૦ સ્માર્ટ કાર્ડ, રૂ. ૨૫૦ રિન્યુઅલ ફી અને રૂ. ૫૦ લેટ ફી ભરવી પડે છે. જ્યારે નવા ભાવપત્રક મુજબ રિન્યૂઅલ ફી રૂ. ૩૦૦, લેટ ફી રૂ. ૧,૦૦૦ અને સ્માર્ટ કાર્ડના રૂ. ૨૦૦ મળી કુલ રૂ. ૧,૫૦૦નો ખર્ચ થશે.
રિન્યૂ કરાતા લાયસન્સનો રેકોર્ડની ડેટા એન્ટ્રી કરાય છે
આરટીઓમાં રિન્યુ અને નામ-સરનામા સહિતની વિગતોમાં ફેરફાર કરાવવા માટે રોજે લોકોની લાંબો લાઇનો લાગે છે. રૂમ નં. ૧૦માં બનાવેલા અલાયદા ટેબલ પર દરેક જુના લાયસન્સના રેકોર્ડ માટે ડેટા એન્ટ્રી કરવામાં આવે છે.(૨૧.૬)