ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતાં લાખો બાળકોને પરીક્ષા આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ધોરણ-1 થી ધોરણ-9 અને ધોરણ-11માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલોમાં બાળકોને તો અત્યારે વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ હવે શિક્ષકોને પણ સ્કૂલે જવાની જરૂર નથી તેવું કહેવામાં આવ્યું છે. આ તમામ ધોરણની પરીક્ષાઓ હવે લેવામાં આવશે નહીં. નવું શૈક્ષણિક સત્ર પણ જૂન મહિનાથી શરૂ કરવામાં આવશે.
ધોરણ-9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન એવા સમયે આપવામાં આવે છે કે જ્યારે તેઓ ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપવાના હોય છે. જો કે સરકારે તેમના કોર્સને પૂરો કરવાનું પણ નક્કી કર્યું છે એટલે કે બોર્ડની પરીક્ષામાં તેમને કોઇ તકલીફ પડે નહીં. આ વર્ષે જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો પણ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.