ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે તે જોતાં સરકારે વિધાનસભાનું બજેટ સત્ર બંધ કરવાની વિચારણા શરૂ કરી છે, જેની સાથે રાજ્યસભાની 26મી માર્ચે યોજાનારી ચૂંટણીને પણ રદ કરવા માટે કેન્દ્રના ચૂંટણી પંચને ભલામણ કરવાનું નક્કી કર્યું છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં પાચ નવા પોઝિટીવ કેસ આવ્યા છે જેની સાથે કુલ 18 કેસો થયાં છે. ગાંધીનગરમાં ત્રણ કેસો પોઝિટીવ આવતાં વિધાનસભાનું સત્ર રદ્દ કરવાની સરકારે વિચારણા કરી છે. જો કે તેનો નિર્ણય સોમવારે એટલે કે આવતીકાલે લેવામાં આવશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 253 સેમ્પલોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે જે પૈકી 18 કેસો પોઝિટીવ આવ્યા છે. અમદાવાદમાં 351 કેસ કોરોન્ટાઇનમાં છે. હવે જે નવા શંકાસ્પદ દર્દી આવશે તેમને ઘરે જવા દેવામાં નહીં આવે. રાજ્યમાં કુલ 6092 દર્દીઓએ કોરેન્ટાઇનમાં છે.
કોરેન્ટાઇનનો જો કોઇ વ્યક્તિ ભંગ કરશે તો તેમને સીધા પકડીને હોસ્પિટલમાં મોકલી દેશે. આ દર્દીઓના નામો જાહેર કરવામાં આવશે કે જેથી બઘાં નાગરિકોને ખબર પડે. જે લોકો સંપર્કમાં આવ્યા હોય તેમને પણ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
ગુજરાતના અમદાવાદમાં કુલ 7 કેસો પોઝિટીવ છે. સુરત, વડોદરા અને ગાંધીનગરમાં ત્રણ ત્રણ કેસો પોઝિટીવ આવ્યા છે. કચ્છ અને રાજકોટમાં માત્ર એક એક કેસ છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી 26મીએ રાખવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ જોતાં અમે ચૂંટણી રદ્દ કરવા માટે ભારતના ચૂંટણી પંચને કહેવાના છીએ. બીજી તરફ વિધાનસભાનું સત્ર મોકુફ રાખવાની આવતીકાલે ચર્ચા કરીને નિર્ણય કરાશે.